સુરત : કીમ ચાર રસ્તા નજીક 3 સપ્ટેમ્બરે અમદાવાદમાં બનેલ તથ્ય કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. એક શોપિંગ સેન્ટરમાં કેટલાક લોકોનું ટોળું એકઠું થયું હતું અને કોઈ બાબતને લઈને બબાલ કરી રહ્યું હતુ. તે દરમિયાન એક ઇસમ ઉશ્કેરાયો હતો અને તેણે પોતાના પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ : ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોએ પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી. ઘટનાને અંજામ આપી પિકઅપ ચાલક ભાગી ગયો હતો. ત્યારે બનેલી આ ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું કે પિકપ બોલેરો ટેમ્પો ચાલક કઈ રીતે લોકો પર વાહન ચડાવી રહ્યો છે. બે ખૌફ રીતે ઘટનાને અંજામ આપી ચાલક ભાગી ગયો હતો. બનાવને પગલે હરકતમાં આવેલી કોસંબા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બનેલી ઘટનાને લઈને કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં ચાર આરોપીની અટક કરવામાં આવી છે અને પિકઅપ બોલેરો પણ જપ્ત કરવામાં આવ્યો છે...આઈ. જેે. પટેલ (ડીવાયએસપી, સુરત ગ્રામ્ય)
બબાલનો મામલો : કોસંબા પોલીસની તપાસ દરિમયાન જાણવા મળ્યું હતું કે ઘટનાના એક દિવસ અગાઉ ફરિયાદી રાજા સિંગના ભાઈ ચિરાગે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ફોટા પર ટિપ્પણી કરી હતી. જેને લઇને બોલાચાલી થઈ હતી અને બાદમાં સમાધાન કરવા માટે કીમ ચારરસ્તા નજીક ભેગા થયા હતા. તે દરમિયાન દર્શન નામના આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પિકઅપ બોલેરો ટેમ્પોથી ટોળાને કચડવા માટે પૂરઝડપે ટેમ્પો ચલાવી દીધો હતો.
4 આરોપીની ધરપકડ : ત્યારે હાલ તો કોસંબા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (1) દર્શન રાજપુત (2) મુન્ના ભરવાડ (3) મહેશ ભરવાડ અને (4) મેહુલ ભરવાડ ને દબોચી લીધા છે અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્ષણિક આવેશમાં આવીને આ રીતે કેટલાક લોકો સામાન્ય બાબતે મોટી ઘટનાને અંજામ આપી દેતા હોય છે. જોકે સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઈ ન હતી.