સુરત : યુવતીને બે વર્ષથી લગ્ન કરવા માટે હેરાન કરનાર યુવકની સુરત પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. કારણ કે લગ્ન કરવા માટે યુવકે યુવતીને એસિડ અટેક કરવાની ધમકી પણ આપી હતી. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આરોપીએ માત્ર એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપી એટલું જ જ નહીં, યુવતીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની પણ ધમકી આપતો હતો.
યુવક વિપિન શુક્લા અવારનવાર યુવતીને મેસેજ કરી બ્લેકમેલ કરતો હતો. એટલું જ નહીં તેણે એસિડ અટેક કરવાની ધમકી પણ યુવતીને આપી હતી. જેથી યુવતીએ ગભરાઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાંડેસરામાં રહેતી યુવતી એન્કરીંગ કરે છે અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટથી સંપર્ક કરી યુવતીને બળજબરીથી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. યુવતી લગ્ન કરવા માટે ના પાડતી હતી. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...ઝેડ. આર. દેસાઈ ( એસીપી, સૂરત )
એસિડ અટેક કરવાની ધમકી આપી : સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે રહેતી 28 વર્ષીય યુવતીને અવારનવાર એક યુવક દ્વારા લગ્ન કરવા માટે ધમકી આપવા આવતી હતી. પરંતુ આ ઘટના ત્યારે ગંભીર થઈ ગઈ જ્યારે યુવકે યુવતીને લગ્ન ન કરે તો એસિડ અટેક કરવાની ધમકી આપી હતી. 25 વર્ષીય વિપિન શુક્લા નામનો યુવક યુવતીના એકતરફી પ્રેમમાં સાનભાન ગુમાવી બેઠો હતો. ફરિયાદી યુવતી સુરત શહેરના વેસુ વિસ્તારમાં એન્કરિંગ કરે છે અને પાંડેસરા વિસ્તારમાં રહે છે. સોશિયલ મીડિયા પર યુવકે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અવારનવાર મેસેજ કરતો હતો અને ત્યારબાદ કોલ કરવાની શરૂઆત કરી હતી.
વિડીયો અપલોડ કરવાની ધમકી : યુવકે યુવતીને વારંવાર મેસેજ કરી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. એક દિવસ તેને એસિડ અટેકની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં યુવકે સોશિયલ મીડિયાના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો વિડીયો અપલોડ કરવાની પણ ધમકી આપી હતી. તેની ધમકીથી યુવતી ગભરાઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને કાર્યવાહી કરતાં પોલીસે વિપિન શુક્લાની ધરપકડ કરી હતી.