સુરતઃ હત્યારાઓ મૃતકના જ રૂમ પાર્ટનર હતા અને સાથે કામ પણ કરતા હતા. અડાજણ પોલીસે બંને હત્યા કરનાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઉતર પ્રદેશના વતની 31 વર્ષીય બદરીપ્રસાદ રાજકિશોર ખેંગારની પાલ સ્થિત વેસ્ટન હાઈટ્સમાં સિદ્ધિ ચક્ર વિંગના ટેરેસ પર હત્યા કરાઈ.તેનો મૃતદેહ છિન્ન ભિન્ન હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બેટ અને લાકડા દ્વારા હત્યાઃ પોલીસ તપાસમાં બેટ અને લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. વોચમેનની હત્યા સાથે જ કામ કરતા અને તેના જ વતનના રાજપાલ સમ્મન રૈદાસ તથા ભોલા ઉર્ફે રમાકાંત ગહેજુ રૈદાસે કરી હતી. આ ત્રણેય લોકો બિલ્ડીંગમાં વોચમેનની સાથે રહીશોની કાર પણ ધોઈ વધારાના રૂપિયા કમાઈ લેતા હતા. જો કે વોચમેન બદરીપ્રસાદ આ બંને કરતા વધુ ગાડી ધોઈને વધુ રૂપિયા કમાતો હતો. તેથી હત્યારાઓ હંમેશા મૃતકની ઈર્ષા કરતા હતા.એક દિવસ ખૂબજ ઈર્ષાના આવેશમાં આવીને સહકર્મીઓએ જ વોચમેનની હત્યા કરી નાખી.
ચાર દિવસ પહેલા અડાજણ પોલીસ મથકની હદમાં વોચમેનની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં હત્યા કરનારા બંને ઈસમોને ઝડપી લેવાયા છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...આર. બી.ગોજીયા(પી.આઈ., અડાજણ )
હત્યારાઓ પર કાયદેસર કાર્યવાહીઃ વોચમેન તરીકે કામ કરતો બદરીપ્રસાદ લોકોની ગાડી ધોઈને વધુ રૂપિયા કમાતો હતો જેથી તેની ઈર્ષામાં રાત્રે તેના જ રૂમ પાર્ટનરોએ બેટ અને લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી. હાલ હત્યા કરનારા બંને ઈસમો પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.