સુરતઃ વર્ષ 2017માં રાંદેર ખાતે ધ્વનિત ઈન્વેસ્ટમેન્ટ નામની સ્કીમ શરૂ થઈ હતી. આ સ્કીમમાં લોભામણી પ્રપોઝલથી નિર્દોષ નાગરિકોને રોકાણ માટે આકર્ષવામાં આવતા હતા. એક વાર ફંડ એકઠું થયું કે પછી તરત જ માસ્ટર માઈન્ડ ફરાર થઈ ગયો હતો. આ સ્કીમમાં કુલ 94 લોકોએ કુલ 3.71 કરોડ જેટલી રકમ ગુમાવી હતી.
ધ્વનિત ઈન્વેસ્ટમેન્ટની પ્રપોઝલઃ આ પેઢી દ્વારા નાગરિકોને મુંબઈના શેરબજારમાં રોકાણની લાલચ અપાતી હતી. જેમાં થોડી રકમના રોકાણ પર વધુ રકમ પરત મળશે તેવી પ્રપોઝલ ગ્રાહકોને જણાવાતી. ગ્રાહકો આ લાલચમાં ફસાઈ જતા અને પોતાના પરસેવાની કમાણીનું રોકાણ કરતા હતા.
પોલીસ ફરિયાદ થઈઃ અમિત ત્રિવેદીના નામના માસ્ટર માઈન્ડે ધ્વનિત ઈન્વેસ્ટમેન્ટ નામની ઓફિસમાં અનેક ગ્રાહકોને ફસાવ્યા હતા. જે પૈકીના એક એવા ઓલપાડના અછારણ ગામે રહેતા કલ્પેશભાઈ ઠાકોર પણ હતા. રાતોરાત અમિત ત્રિવેદીએ કંપનીને તાળા મારીને ફરાર થઈ જતા કલ્પેશભાઈને છેતરાવાનો અહેસાસ થયો. કલ્પેશભાઈએ તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનમાં ધ્વનિત ઈન્વેસ્ટમેન્ટ અને અમિત ત્રિવેદી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
રાંદેર પોલીસની પ્રશંસનીય કાર્યવાહીઃ રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઓફલાઈન તપાસ ચાલુ કરવાની સાથે સાથે ઓનલાઈન પણ અમિત ત્રિવેદીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ઓનલાઈન ચીજ વસ્તુઓનું વેચાણ કરતી વેબસાઈટ પર પણ પોલીસ ધ્યાન રાખતી હતી. અમિત ત્રિવેદની પત્નીએ ઓનલાઈન શોપિંગ કર્યું અને પોલીસને કડી મળી ગઈ. રાંદેર પોલીસને મુંબઈમાં માસ્ટર માઈન્ડ હોવાની પાકી માહિતી મળી હતી. પોલીસે તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાનેથી માસ્ટર માઈન્ડને ઝડપી લીધો હતો.
એક વેબસાઈટ પરથી આરોપી અમિત ત્રિવેદીની પત્નીએ ખરીદી કરી હતી. જેના પરથી તેનું ચોક્કસ સ૨નામું પોલીસને મળ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે મુંબઈના કાંદિવલી વેસ્ટમાં એસ.વી.રોડ, સ્વસ્તિક હાઉસમાંથી ઠગને ઝડપી લીધો હતો. પોલીસે તેને સુરત લઈ આવી હતી. મુંબઈમાં અમિત ત્રિવેદીએ લોકોને શેરબજારમાં રોકાણની લાલચ આપી ઠગાઈ કરી છે...અતુલ સોનારા(P.I., રાંદેર પોલીસ સ્ટેશન)