સુરતઃ શહેરમાં ફરીથી માતા પિતા બાળકને ત્યજીને ફરાર થઈ ગયા હોય તેવો કિસ્સો બન્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 2 મહિનાના બાળકની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન મૂળ મહારાષ્ટ્રના માતા પિતા બાળકને ત્યજીને ફરાર થઈ ગયા હતા. આ મામલે હોસ્પિટલે પોલીસ કમ્પલેન કરી છે. તેથી પોલીસે સીસીટવી ફૂટેજને આધારે શોધખોળ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ 29 ઓક્ટોબરના રોજ કામરેજ આરોગ્ય કેન્દ્રમાં આ બાળકનો જન્મ થયો હતો. બાળકની માતાનું નામ મનીષા ભારેલા છે. આ બાળકનો જન્મ માત્ર 7 મહિનામાં જ થઈ ગયો હતો. તેથી તેને શ્વાસોશ્વાસમાં તકલીફ પડતી હોવાથી તેને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં આ બાળકને એનઆઈસીયુમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ બાળક સ્વસ્થ થતા તેને માતાનું દૂધ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. જો કે મધર્સ રૂમમાં રહેલ આ બાળકમાં ફરીથી શ્વાસ સંબંધી તકલીફો સર્જાતા તેને એનઆઈસીયુમાં મુકવામાં આવ્યું હતું. આ દરમિયાન 29 નવેમ્બરના રોજ આ બાળકની માતાને તાવ આવતા તેને મેડિસિન વિભાગમાં મહિલા વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. માતાની તબિયત ખરાબ હોવાથી મિલ્ક બેન્કમાંથી દૂધ લાવીને આ બાળકને આપવામાં આવતું હતું. બનાવના દિવસ અગાઉ 4થી 5 દિવસ સુધી બાળકની ખબર પુછવા પરિવારનો કોઈ સભ્ય આવ્યો નહીં. તેથી જ્યાં માતા દાખલ હતી ત્યાં હોસ્પિટલ તંત્રએ તપાસ કરતા ખબર પડી કે બાળકના માત-પિતા બાળકને મુકીને ફરાર થઈ ગયા હતા.
પોલીસ ફરિયાદઃ સતત 4-5 દિવસ બાળકની ખબર પુછવા કોઈ આવ્યું નહતું. તેથી હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકના માતા-પિતાની તપાસ કરવામાં આવતા કોઈ માહિતી મળી નહતી. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં કમ્પલેન કરવામાં આવી. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ માતા-પિતા બાળકને ત્યજીને જતા રહ્યા હોવાનું લાગે છે. ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે તેમજ કામરેજમાં પણ પુછપરછ શરુ કરી છે.
બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકની માતા મહિલા વોર્ડમાં તાવની સારવાર કરાવી રહી હતી. તેથી અમે મિલ્ક બેન્કમાંથી દૂધ લાવીને બાળકને આપતા હતા. જો કે બાળકના વાલીવારસ સતત 4થી 5 દિવસ સુધી ખબર કાઢવા આવ્યા નહતા. અમે મહિલા વોર્ડમાં તપાસ કરતા જાણવા મળ્યું કે માતા ત્યાંથી ફરાર થઈ ગઈ છે. તેથી અમે ખટોદરા પોલીસને જાણ કરીને અને એમએલસીની કાર્યવાહી હાથ ધરી હતી...ડૉ. નીકિતા વસોયા(ડૉક્ટર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત)
2 મહિનાના બાળકને ત્યજીને તેના માતા-પિતા ફરાર થયા હોવાની ફરિયાદ અમે નોંધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરુ કરી છે અને કામરેજમાં પણ પુછપરછ કરી રહી છે. જેમાં જાણવા મળ્યું કે માતા-પિતા મહારાષ્ટ્રના નંદુરબારના છે. મીડિયા દ્વારા અમે માતા-પિતાને અપીલ કરીએ છીએ કે બાળકને આવીને લઈ જાય...આર. કે. ધુલિયા(પીઆઈ, ખટોદરા પોલીસ સ્ટેશન)