સુરત : શહેર પોલીસ દ્વારા બેફામ અને અસામાજીક તત્વો માટે દાખલો બેસે તે મુજબની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ ઈતિહાસમાં પ્રથમવાર હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીને પાસા કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ કાપોદ્રા વિસ્તારમાં બેફામ ડ્રાઈવિંગ કરી પાંચ લોકોને ઈજા પહોચાડનાર આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી સાજન પટેલને પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર ઈસમ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
પાસા હેઠળ કાર્યવાહી : આરોપી સાજન પટેલની પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત કેસમાં ગુજરાતમાં પ્રથમ વખત સુરત પોલીસે આ પ્રકારની મોટી કાર્યવાહી કરીને અસામાજીક પ્રવૃતિ કરનાર લોકો માટે દાખલો બેસાડ્યો છે. આ ઉપરાંત સુરતમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર ઇસમ સામે પણ મોટી કાર્યવાહી કરી છે. ઉમરા વિસ્તારમાં સ્પાની આડમાં દેહ વ્યાપારની વારંવાર પ્રવુતિ કરનાર આરોપી લાલજીભાઈ ભીમજીભાઈ હડિયાની પણ પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી સાજન વિરુદ્ધ પાસા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા થઈ હતી. જેમાંથી ચાર લોકો ટેક્ચર થયા હતા. આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે દારૂના નશામાં હતો. આવી ઘટના ભવિષ્યમાં ન બને આ માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે.-- અજય તોમર (સુરત પોલીસ કમિશનર)
દાખલારૂપ કાર્યવાહી : એક મહિના પહેલા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ઘટનાને અંજામ આપનાર અને પાંચ જેટલા નિર્દોષ વાહનચાલકોને અડફેટે લેનાર આરોપી સાજન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વ્રત પીસીબી દ્વારા તેની અટકાયત કરી પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધી હત્યા, લૂંટ, દારૂના કેસ સહિતના અન્ય ગંભીર ગુનામાં આરોપીને પાસા કરવામાં આવતા હતા. તો હિટ એન્ડ રનની ઘટનામાં પ્રથમવાર આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. 2023 ની વાત કરવામાં આવે તો આજ દિન સુધી 711 જેટલા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે.