સુરત : કામરેજ તાલુકાના એક ગામમાં નજીવી બાબતે મારામારી અને લૂંટ કર્યાની ઘટના સામે આવી છે. યુવક ગેસ કંપનીમાં મજૂરી કામ કરતો હતો. જેણે રોડની બાજુમાં બાઈક ઉભી રાખી પાસેની ચા-નાસ્તાની લારી પર ગયો હતો. ત્યાં તેણે પાસેના નળ પર પાણી પીને મોઢું ધોયું હતું. આ દરમિયાન બાજુમાં બાંકડા પર બેઠેલા અજાણ્યા યુવક પર પાણીના છાંટા ઉડ્યા હતા. જેનાથી ઉશ્કેરાઈને તે વ્યક્તિને ગાળો આપીને માર્યો હતો. ઉપરાંત યુવકનો મોબાઈલ ફોન અને મોટર સાઈકલ લૂંટી લીધી હોવાની ઘટના બની હતી.
શું હતો બનાવ ? બનાવની સત્તાવાર મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના વાવ ગામે દેસાઈ ફળિયામાં રહેતો અને મૂળ સાયણ સુગર નહેર કોલોની સાયણનો વતની રવિ બાલુભાઈ ગામીત ગુજરાત ગેસ કંપનીમાં મજુરી કામ કરે છે. જે ગુરૂવારે બપોરના સમયે ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે આવેલ રામેશ્વર ઈન્ડસ્ટ્રીના ગેટ પાસે આવેલ ચા-નાસ્તાની દુકાન પાસે ઊભો રહ્યો હતા. તે સમયે દુકાન બંધ હોય ત્યાં નજીકમાં હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર GJ-05 NL-4537 પાર્ક કરી હતી. તેણે દુકાન પાસે નળ જોતા ત્યાં પાણી પીવા માટે ગયો હતો.
પાણીના છાંટા ઉડ્યા : નળ ચાલુ કરી પાણી પીને મોઢું ધોતા નાસ્તાની દુકાનના આગળના ભાગે લોખંડના બાંકડા પર સૂતેલા અજાણ્યા ઈસમ પર પાણીના છાંટા ઉડ્યા હતા. તે જાગી જઈ મેરી નીંદ ક્યું ખરાબ કી, એમ કહી રવિ ગામીતને હિન્દી ભાષામાં નાલાયક ગાળો આપી હતી. તેને અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યો હિન્દી ભાષી ઈસમ એકદમ ઉશ્કેરાઈ જઈને મારામારી કરવા લાગ્યો હતો.
આ ઘટનાને પગલે હાલ ઓલપાડ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આરોપીને પકડવાની તજવીજ શરૂ છે.-- વી.કે. પટેલ (PI, કામરેજ પોલીસ મથક)
મારામારી કરી લૂંટ ચલાવી : આરોપીએ રવિને આંખ નીચે ઇજા પહોંચાડવા સાથે તેના ખિસ્સામાંથી મોબાઈલ ફોન તથા મોટર સાઈકલની ચાવી જૂટવી લીધી હતી. ત્યારબાદ માર મારવાની ધમકી આપતા ગભરાઈને આરોપી ભાગી છૂટ્યો હતો. બાદમાં મિત્રોને ફોન કરી બોલાવ્યા બાદ ઘટનાસ્થળે ચા-નાસ્તાની લારી પાસે જઈને તપાસ કરી હતી. પરંતુ ત્યાં મૂકેલી મોટર સાઇકલ મળી ન હતી. આથી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રવિ ગામીતને માર મારી મોબાઈલ ફોન લૂંટી લેનાર હિન્દી ભાષી અજાણ્યો ઈસમ મોટરસાયકલ લઈને જતો દેખાયો હતો.
પોલીસ તપાસ : આમ પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે યુવકને માર મારી તેની પાસેથી મોબાઇલ ફોન તથા મોટર સાઇકલની લૂંટ કરી નાસી ગયેલા શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.