સુરત : શહેરમાં આવેલ નાનપુરા વિસ્તારમાં સવારના સમયે લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કરીયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરી 3 થી 4 જેટલા ઈસમોએ લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ વેપારીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દારુડિયાઓનો ત્રાસ : સુરતમાં અઠવા પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વોએ બેફામ બની લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. નાનપુરા વિસ્તારમાં કરીયાણાની દુકાન ધરાવતા વેપારી પર સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. વેપારીએ સવારમાં દુકાન ખોલી જ હતી કે, પાછળથી હુમલાખોરો આવ્યા હતા અને વેપારી પર હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે, વેપારી દુકાન ખોલી રહ્યો છે. પાછળથી એક બાદ એક આવેલા અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં વેપારીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
અમને ફરિયાદ મળી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અમે તપાસ શરૂ કરી રહ્યા છે. આરોપીઓ વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. -- ડી.જી. રબારી (PI, અઠવા પોલીસ સ્ટેશન)
હુમલો કરી લૂંટ ચલાવી : ઈજાગ્રસ્ત વેપારીના ભાઈ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારો નાનો ભાઈએ સવારમાં દુકાન ખોલતો હતો. આ દરમિયાન ત્યાં દારૂ પીને ત્રણથી ચાર લોકો આવ્યા હતા. મારા ભાઈ પર હુમલો કરી ઢોર માર માર્યો હતો અને લૂંટ પણ કરી છે. ગળામાં પહેરેલી ચેઈન પણ તેઓ લૂંટી ગયા છે. મારા નાનાભાઈને માથાના ભાગે ઈજાઓ થઈ છે. આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરી છે.