સુરત : જોળવામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ચૂકાદો સામે આવ્યો છે. સુરતના પલસાણા તાલુકાનાં જોળવા ગામે 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટનામાં બારડોલીની અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સોમવારે બંને આરોપીને કસૂરવાર ઠેરવ્યા બાદ આજે જાહેર કરેલા ચુકાદામાં મુખ્ય આરોપીને ફાંસીની સજા તેમજ સહઆરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી હતી.
કેસની વિગત : ગત 20-2-2023ના રોજ પલસાણા તાલુકાનાં જોળવા ગામે એક એપાર્ટમેન્ટની બહાર પોતાના પાંચ વર્ષના ભાઈ સાથે રમી રહેલી 11 વર્ષની બાળકીને એપાર્ટમેન્ટમાં જ રહેતા નરાધમે ખેંચીને અવાવરુ રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ અન્ય એક આરોપીની મદદથી પુરાવા નાશ કરવા માટે આ બંધ રૂમને તાળું મારી દીધું હતું. આ પ્રકરણમાં પોલીસે જે તે સમયે બળાત્કાર આચારનાર મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલ તેમજ મદદગારી કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી.
152 પાનાંનું આરોપનામું : પોલીસ તપાસ બાદ વિવિધ પુરાવાઓ એકત્રિત કરી પોલીસ દ્વારા કોર્ટમાં 152 પાનનું આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. જે અંગેની સુનાવણી બારડોલીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ બી.જી.ગોલાણીની કોર્ટમાં ચાલી હતી. સમગ્ર કેસમાં સુનવણી દરમ્યાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.
ફાંસીની સજા : બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સોમવારના રોજ બંને આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. જો કે ચુકાદો બીજા દિવસ પર મુલતવી રાખવામાં આવતા આજે મંગળવારના રોજ રિશેષ પછી જજ બી.જી.ગોલાણીએ ચૂકાદો જાહેર કર્યો હતો. ખીચોખીચ ભરેલા કોર્ટ હૉલમાં મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા જ્યારે અન્ય સહઆરોપી કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા આપવામાં આવી હતી.
એક જ વર્ષમાં આવ્યો ચૂકાદો : સમગ્ર કેસનો ચૂકાદો ઘટનાના એક વર્ષના સમયગાળામાં જ આવી ગયો હતો. કોર્ટમાં ચાલેલી કાર્યવાહી દરમ્યાન કુલ 39 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત 213 પાનાંનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીડિત પરિવારને મહત્તમ વળતર મળે તે માટે વિકટીમ કમિટીને ભલામણ કરવામાં આવશે.
ઘટનાના દોઢ મહિનામાં જ સજા : સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યુ હતું કે, કેસની ઈન્સાફી કાર્યવાહી ગત જાન્યુઆરી મહિનામાં જ શરૂ થઈ હતી. માત્ર દોઢ મહિનામાં જ કાર્યવાહી પૂરી કરી બંને આરોપીને દોષતી ઠેરવી સજા કરવામાં આવી છે. આ કેસમાં મુખ્યત્વે પીડિત બાળકીના નાના ભાઈની જુબાની મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ ઉપરાંત મેડિકલ એવિડન્સ, સીસીટીવી ફૂટેજ ઉપરાંત ડીએનએના પુરાવાઓ, આરોપીના કબ્જામાંથી મળેલો મોબાઇલ આરોપીને ગુનેગાર ઠેરવવામાં મહત્વપૂર્ણ પુરવાર થયો હતો.
પરિવારને સંતોષ : કોર્ટની કાર્યવાહી દરમ્યાન પીડિત પરિવારમાંથી બાળકીના પિતા હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મારી પુત્રી અને પરિવારને સાચો ન્યાય મળ્યો છે. તેમણે સ્થાનિક લોકોના મળેલા સહયોગ બદલ તેમજ વકીલની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.