સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરટીઆઈ અરજદારે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો ગણેશ ગોવેકર અને સિક્યુરિટી જોડે અપશબ્દો બોલી વિડીયો ઉતાર્યો છે. અરજદાર પોતાની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને લઈને આવ્યો હતો. તેઓને સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર દ્વારા ઓફિસમાં એક જ વ્યક્તિને લાવવા અને મોબાઈલ વિડીઓ ઉતારવા માટે ના કહેતા અરજદાર દ્વારા આ રીતની હરકતો કરવામાં આવી હતી. અરજદાર પોતાની સાથે લાવેલ ચાકુ પાકીટમાંથી કાઢીને બેગમાં મૂકે છે તે સમગ્ર ઘટના હોસ્પિટલના સીટીટીવીમાં કેદ થઈ છે.
આ સમગ્ર ઘટના બાદ અમે તેમનો બેગ ચેક કર્યો હતો. જેમાંથી એક ચાકુ અને બેલ્ટ મળી આવ્યો હતો. ત્યારબાદ અમે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેને 1:25 વાગે તેના પાકીટમાંથી ચાકુ કાઢીને બેગમાં મૂક્યું હતું. તેનું મારી સાથે જે એપોઇમેન્ટ હતું તે 12 થી 1 વચ્ચે હતું. એટલે મને જયારે મળવા માટે આવ્યો હતો ત્યારે તે પાકીટમાં ચાકુ લઈને આવ્યો હતો. એ પોતાના કામમાં અસફળ રહ્યો હતો તેણે પોતાના પાકીટમાંથી ચાકુ કાઢીને બેગમાં મૂક્યું હતું...ડો. ગણેશ ગોવેકર (સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ)
સિક્યુરિટીને લઈને માહિતી માંગી હતી : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો ગણેશ ગોવેકર જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આરટીઆઈ અરજદાર જયેશ ગુર્જરને ગઈકાલે બોલાવવામાં આવ્યો હતો. કારણકે તેમણે જાહેર માહિતી અધિકારી પાસે હોસ્પિટલના સિક્યુરિટીને લઈને માહિતી માંગી હતી. પરંતુ તેમને જે પણ માહિતીઓ આપવામાં આવી હતી તે સંતોષ ન હોવાને કારણે તેઓ મારી પાસે આવ્યા હતાં. જેની માટે અમે તેમને આ પહેલા એની પણ તારીખ આપવામાં આવી હતી. પરંતુ તેઓ તે તારીખ પર આવી શક્યા ન હતા. જેથી આપણી હોસ્પિટલ દ્વારા તેમને લેટર પણ મોકલવામાં આવ્યો અને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. તેમને 19 તારીખ આપવામાં આવી હતી જેથી તેઓ ગઈકાલે આવ્યા હતાં.
નિયમને લઇને ના પાડી : સુપરિન્ટેન્ડન્ટ ડો ગણેશ ગોવેકર વધુ જણાવ્યું કે ગઈકાલે આરટીઆઈ અરજદારે ચાર લોકોને લઈને આવ્યા હતાં અને જણાવ્યું હતું કે અમે ચાર લોકો અંદર આવીશું. તો RTI એક્ટ 2005 મુજબ એવો કોઈ નિયમ નથી કે, બધા સાથે અંદર આવી શકે. ફક્ત જે વ્યક્તિ RTI કરે છે તેને જ અંદર બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અમે તેમને જણાવ્યું કે તમે એક વ્યક્તિઓ સાથે આવો એટલે તેઓ અને અન્ય વ્યક્તિ એમ કરીને તો ફરી પાછી તેમણે ડિમાન્ડ કરી કે, તમે મને જે પણ જવાબ આપશો તેનો અમે વિડિયો રેકોર્ડિંગ કરીશું. નિયમ મુજબ મોબાઈલ વિડિઓ ઉતારી શકાય નહીં જેથી અમે તેમને ના કહ્યું હતું.
રાઉન્ડમાં નીકળ્યાં ત્યારે પાછળ પડ્યો : આરટીઆઈ હેઠળના નિયમો જણાવવા છતાં આરટીઆઈ અરજદાર જયેશ ગુર્જર કોઇ વાત માનવા માટે તૈયાર ન થયો અને હું મોબાઈલ સાથે આવીશ અને વિડીયો ઉતારીશ તેવી જીદ કરવા લાગ્યો હતો. તેથી તેને જણાવવામાં આવ્યું કે તમારા સવાલોના જવાબ આજે તમને નહીં મળે. જેને લઇને તે ઓફિસની બહાર બેઠો રહ્યો હતો અને જ્યારે સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર રાઉન્ડમાં નીકળ્યાં ત્યારે તેમની પાછળ જઇ મારો વિડીયો બનાવવા લાગ્યો હતો. તેમનો કોલર પકડવાની કોશિશ કરી હતી અને અપશબ્દો બોલી માહોલ ખરાબ કર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે સાથે આરટીઆઈ અરજદાર વ્યક્તિ જયેશ ગુર્જર તેમનો બેગ પણ ત્યાંજ મૂકી રાખ્યો હતો. તે બેગ ચેક કરતા તેમાંથી ચાકુ મળી આવ્યું હતું. તે બેગ અને ચાકુ તેમણે પોલીસને સોંપ્યો છે. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે...આર. કે. ધુલીયા (ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ)
વધુ તપાસ હાથ ધરી : આ બાબતે નોંધાવાયેલી ફરિયાદને લઇને તેમણે વધુમાં જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર પાસે જાહેર માહિતી માટે જયેશ ગુર્જર નામનો વ્યક્તિ આવ્યો હતો. તેઓ સુપરિન્ટેન્ડન્ટ સાથે તેમના ફરજમાં અડચણરૂપ બનીને અપશબ્દો બોલ્યાં હતા અને તેમને એકલાને જ ઓફિસમાં બોલાવવા માટે કહેતા તેઓ ત્રણચાર લોકો સાથે આવ્યા હતા. તેમની જોડે બોલાચાલી કરી સુપરિન્ટેન્ડન્ટ હોસ્પિટલના રાઉન્ડ માટે નીકળતા હતાં ત્યારે તેમની પાછળ આવીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઉપરાંત તેમનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યો હતો. તથા તેમની પાછળથી અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતાં. મામલાની તપાસ હાથ ધરી છે.