સુરત : માત્ર નજીવી બાબતે સુરત શહેરમાં આઠ વર્ષની બાળકીને પાડોશી મહિલાએ થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું હતું. સીસીટીવી કેમેરામાં કેદ પાડોશી મહિલાના થર્ડ ડિગ્રી ટોર્ચરને જોઈ ભલભલા લોકોના રુવાંડા ઊભા થઇ જશે. આઠ વર્ષની બાળકીનો પગ અડી જતા મહિલાએ તેને લિફ્ટની બહાર અને લિફ્ટની અંદર ઢોર માર માર્યો હતો. નાની બાળકી જે પાડોશી મહિલાને કાકી કરીને બોલાવતી હતી તેના આતંકથી હવે તે દહેશતમાં છે. પરિવારના લોકો પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધાવા જઈ રહ્યાં છીએ.
સિલવાસા ટ્વીન ટાવરમાં બની ઘટના : સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા સિલવાસા ટ્વીન ટાવરમાં રહેતી આઠ વર્ષીય બાળકીને નિર્દયતાથી તેના જ પાડોશી મહિલા માર મારતો વિડીયો વાયરલ થયો હતો. સિલવાસા ટ્વીન ટાવરના વિભાગ એમાં સાતમા માળે રહેતા પ્રિયેશભાઈની આઠ વર્ષની દીકરી જન્માષ્ટમીની ઉજવણી માટે બિલ્ડીંગની નીચે બાળકો સાથે ઉભી હતી. તે દરમિયાન તેનો પગ તેની સામે જ રહેતા પાડોશી મહિલા કોમલ સોજીત્રા સાથે અડી જતાં પાડોશી કોમલ એટલી હદે ઉશ્કેરાઈ ગઈ હતી કે બાળકીને ખેંચીને તે લિફ્ટ પાસે આવે છે અને લિફ્ટની બહાર પણ તેને ઢોર માર મારે છે એટલું જ નહીં પાડોશી કોમલ આ બાળકીને લિફ્ટની અંદર લઈ જાય છે અને લિફ્ટની અંદર પણ તેને ખૂબ માર મારે છે. માત્ર પગ અડી જતા આ બાળકીને પાડોશી દ્વારા આટલી હદે માર મારવામાં આવે છે કે તે હાલ પણ આ ઘટના ભૂલી શકતી નથી.
બાળકી રડતાં રડતાં ઘરે આવી ત્યારે અમે તેને પૂછ્યું કે શું ઘટના બની છે. ત્યારે તેને જણાવ્યું હતું કે અમારા સામે જે કોમલ સોચિત્રા નામની મહિલા ભાડેથી રહે છે તે માત્ર પગ અડી જવાના કારણે તેને લિફ્ટની અંદર અને બહાર બંને જગ્યાએ ઢોર માર્યું છે. આ અંગે અમે જ્યારે તે મહિલાને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે. પરંતુ આટલી નાની ભૂલના કારણે કોઈ મહિલા આ બાળકીને કઈ રીતે મારી શકે છે. અમે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવીશું. પ્રિયેશભાઈ (બાળકીના પિતા)
બાળકી ખૂબ જ માનસિક તણાવમાં : બાળકીની માતાએ રડતાં રડતાં કહ્યું હતું કે, હજી પણ બાળકી ખૂબ જ માનસિક તણાવમાં છે. જ્યારે પણ પાડોશી કોમલને તે જુએ છે ત્યારે રડવા લાગે છે. મેં હજુ સુધી મારી બાળકીને ઠપકો પણ આપ્યો નથી અને આ મહિલા મારી બાળકીને ઢોર માર મારી રહી છે. આ દ્રશ્યો હજી પણ મારી આંખના સામે આવે છે. અમે તે દિવસથી સામાન્ય દિવસ પસાર કરી રહ્યાં નથી. અમારી એક જ ઈચ્છા છે કે તેને સજા થવી જોઈએ જેથી તે અન્ય બાળકો સાથે આવી ઘટના ન કરે.
અમારી પાસે વીડિયો ક્લિપ આવી છે જે જોઈ અમે પરિવારના લોકોને સંપર્ક પણ કર્યો છે અને પોલીસની એક ટીમ બાળકીના પરિવાર પાસે મોકલી છે. જો તેઓ ફરિયાદ આપવા તૈયાર થશે તો અમે ચોક્કસથી ફરિયાદ લઈશું અને કાર્યવાહી કરીશું...આશિષ મહંત ( પીઆઈ, ઉત્રાણ પોલીસ મથક )
પોલીસ ફરિયાદ લેવા માટે ટીમ મોકલી : ઉલ્લેખનીય છે કે બાળકીના પરિવાર દ્વારા પાડોશી મહિલા વિરુદ્ધ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉત્રાણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આશિષ મહંત દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી. બીજી બાજુ આ સાથે આરોપી મહિલાનો પણ સંપર્ક કરવા માટે મીડિયા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આરોપી મહિલાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા મીડિયાને આપી ન હતી.