સુરત : શહેરના સચિન વિસ્તારમાં રહેતી એક માતાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી ગઈ હતી. માતા અને બે બાળકોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તેમની સ્થિતિ સ્થિર જણાવાઇ છે. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતી હતી. જેથી બંને બાળકો સાથે તેણે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજો પતિ તેની સાથે રહેતો નથી : સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા પાલી ગામમાં એક માતાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે 25 વર્ષની મહિલા પોતાના એક દીકરા અને દીકરી સાથે રહે છે. સચિન વિસ્તાર ખાતે આવેલા એક મિલમાં મજૂરી કામ કરે છે. પહેલા પતિથી તેને બે સંતાનો છે. સાત વર્ષ દીકરો અને બે વર્ષની દીકરી સાથે તે રહેતી હતી. મહિલાએ બીજા લગ્ન પણ કર્યા હતાં પરંતુ બીજો પતિ તેની સાથે રહેતો ન હતો.
પહેલા પતિનું કેન્સરથી મોત નીપજ્યું હતું : પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના પહેલા પતિ કેન્સર પીડિત હતાં અને ત્રણ વર્ષ પહેલા કેન્સરથી તેનું મોત નિપજ્યું હતું. જેથી એક વર્ષ પહેલા મહિલાએ બીજા લગ્ન કર્યા હતાં. જોકે થોડાક દિવસ પહેલા પતિ સંદીપ પોતાના વતન ગયો હતો અને પરત આવ્યો ન હતો. મહિલા બન્ને બાળકોને રાખી મિલમાં કામ કરતી હતી. મહિલા મૂળ બિહારની છે અને આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. જેથી પોતાના બાળકોને તે અભ્યાસ પણ કરાવી શકતી નહોતી.
પાડોશીઓ મહિલાને હોસ્પિટલ લઈને આવ્યા હતાં : સચિન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ દેસાઈના જણાવ્યા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે પાડોશીઓ દોડી આવ્યા હતાં અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામની સ્થિતિ સ્થિર છે. માનસિક તણાવમાં આવીને તેઓએ આપઘાતના ઇરાદે બાળકોને દૂધમાં આવી પોતે ઝેર પી લીધું હતું.