સુરત : પત્નીની કાર ચોરી થઈ ગઈ હતી. પત્ની કાર ચોર ને શોધવા માટે પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે તપાસ હાથ ધરી અને જયારે પોલીસ ચોર સુધી પહોંચી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણ કે પત્નીની કારની ચોરી કોઈ અન્ય નહીં પરંતુ પતિએ કરી હતી. પત્નીની કાર ચોરી કરનાર પતિએ પોલીસને જણાવ્યું હતું કે દેવું ઉતારવા માટે જે તેને પત્નીની કારની ચોરી કરી હતી.
સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી : સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના બની છે જેને સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે ચોરી આમ તો કારની થઈ હતી પરંતુ આરોપી વિશે જાણીને લોકો ચોકી ઉઠશે. ઉધના પોલીસ મથકમાં તારીખ છઠ્ઠી જાન્યુઆરીના રોજ કંચન નામની મહિલાએ સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે અજાણ્યા લોકો દ્વારા તેની કારની ચોરી કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ સર્વેલેન્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી.
આરોપી પતિની ધરપકડ : આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, કંચનબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમના ઘરની બહાર પાર્ક ગાડી અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થઈ ગયો છે. તેમના ફરિયાદના આધારે અમે તપાસ શરૂ કરી અને આ નજીક લાગેલા સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વે લેન્સના આધારે ચોર સુધી પહોંચવા માટેની કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન કંચનબેનની કાર ચોરી કરનાર કોઈ અન્ય નહીં પરંતુ કંચનબેનના પતિ નીકળ્યા હતા. કંચનબેનના પતિ ગોવર્ધનસિંઘ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનો મિત્ર ફરાર : ચિરાગપટેલે વધુમાં જણાવ્યું હતું કે, પૂછપરછમાં આરોપી પતિએ જણાવ્યું હતું કે તેના માથે દેવું થઈ જતા તેને ચૂકવવા માટે તેને પોતાના મિત્ર ઈકબાલ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. પોતાના મિત્ર ઈકબાલ પાસેથી ચોરી કરાવી હતી. સાથે આરોપીએ જણાવ્યું હતું કે કાર પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને દેવું થઈ જતા તે લોન ચૂકવી શકે એમ સ્થિતિમાં નહોતો. જેથી તેણે મિત્ર સાથે મળીને કાર ચોરીનો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. જોકે આરોપીનો મિત્ર ફરાર છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે સાથે કાર પણ જપ્ત કરવામાં આવી છે.