સુરત : સુરત શહેરમાં એક બેરોજગાર પતિએ પત્નીના ચારિત્ર પર શંકા કરી તેના ગળા પર બ્લેડ ના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્ની મિતાલીના લગ્ન 11 વર્ષ પહેલાં મહેશ સાથે થયા હતાં. આરોપી પતિ અવારનવાર પત્ની પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આ વખતે જ્યારે પત્નીએ રૂપિયા આપવાની ના પાડી ત્યારે મોટો ઝઘડો પણ થયો હતો. જ્યારે પત્ની સૂઈ રહી હતી ત્યારે તેની ઉપર પતિએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat Crime અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, આવું હતું કારણ
પત્ની પાસેથી રૂપિયાની માંગણી : સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતા મહેશ રાઠોડ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર છે. પત્ની મિતાલી મજૂરી કામ કરેી બાળકોનું ભરણ પોષણ કરે છે. બંનેના લગ્ન 11 વર્ષ પહેલાં ભરૂચ જિલ્લામાં આવેલા બોરભાઠા ગામમાં થયા હતા. બંનેને નવ વર્ષનો પુત્ર અને સાત વર્ષની પુત્રી છે. બેરોજગાર હોવાના કારણે અવારનવાર આરોપી પતિ પત્ની પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. જેથી કંટાળીને પત્ની પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી. જ્યાં આરોપી પછી પણ રહેવા પહોંચી ગયો હતો.
રૂપિયા ન આપતાં બ્લેડ મારી: બેરોજગાર હોવાથી એક તરફ આર્થિક તંગી હતી અને બીજી બાજુ આરોપી પતિ હંમેશા પત્નીના ચારિત્ર પર શંકા પણ કરતો હતો. ઝઘડો કરી તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. માનસિક ત્રાસ આપનાર પતિએ પત્ની પાસે ફરીથી રૂપિયાની માંગણી કરી હતી અને પત્નીએ આપવાનીના પાડી દીધી હતી. જેથી બંને વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો. ઝઘડો થયા બાદ પત્ની બાળકો સાથે સૂવા માટે ચાલી ગઈ હતી. પરંતુ વહેલી સવારે 4:00 વાગે પતિએ પત્નીના ગળા પર ધારદાર બ્લેડના અનેક ઘા મારી દીધા હતા અને કહ્યું હતું કે તને આજે હું મારી નાખીશ.
આ પણ વાંચો Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી
પત્નીની સારવાર ચાલી રહી છે : આરોપી પતિ દ્વારા જીવલેણ હુમલા કરવાથી પત્ની બુમાબૂમ કરવા લાગી હતી. જેથી પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી. પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.સોનારાએ જણાવ્યું હતું કે, હુમલા બાદ પત્નીને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ અમે આરોપી પતિ મહેશ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.