સુરત : શહેરની ઈચ્છાપોર પોલીસે એક, બે કે ત્રણ નહીં પરંતુ પાંચ-પાંચ મુન્નાભાઈ એમબીબીએસ એટલે બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. ઇચ્છાપોર વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પાંચેપાંચ બોગસ ડોક્ટર છેલ્લા એક વર્ષથી અહીં તબીબી સારવાર કરી રહ્યા હતાં. એટલું જ નહીં, તેઓ દર્દીઓને બાટલા પણ ચડાવતા હતાં. ઈચ્છાપોર પોલીસે આખરે આ પાંચેય બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ બોગસ ડોક્ટરો પાસેથી દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. બોગસ ડોક્ટરોના કારનામાં સામે આવતાં રાજેશ પરમાર ડીસીપી ઝોન 6 દ્વારા બાદમાં વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
મળેલી બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસે ગોવિંદા હલદાર, રમેશ મંડળ, ધીમંત વિશ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ નામના બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. તેઓ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં લોકોને સારવાર આપી રહ્યા હતાં. એટલું જ નહીં, તેઓ દવા ઇન્જેક્શન સહિત કેટલાક દર્દીઓને બાટલા સુદ્ધાં ચડાવતા હતાં. પૂછપરછમાં આ તમામ આરોપીઓએ જણાવ્યું હતું કે મેડિકલ સંબંધે કોઈ પણ પ્રકારની ડિગ્રી તેમની પાસે નથી. આરોપીઓ પાસેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે...એ. સી. ગોહિલ( પીઆઈ, ઈચ્છાપોર પોલીસ મથક )
શ્રમિક વિસ્તારમાં નકલી ડોક્ટરોનો રાફડો : ઇચ્છાપોર વિસ્તાર સુરત શહેરનો ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે. આ જ વિસ્તારમાંથી સુરત ઈચ્છાપુર પોલીસે 5 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. ઇચ્છાપોર પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી કેટલાક ડોક્ટરો ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના ઈલાજ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ વિસ્તારમાં ત્યાં લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રોજે 20 થી 25 લોકોને દવા અને ઇન્જેક્શન આપનાર આ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી.
ઇન્જેક્શન આપતા હતાં : પોલીસ તપાસમાં આ પણ જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી આ જ વિસ્તારમાં લોકોને સારવાર આપી રહ્યાં છે. કોઈને ખબર પણ નહોતી કે આ લોકો અસલી ડોક્ટર નથી. મોટાભાગે આ વિસ્તારમાં શ્રમિકો હોવાના કારણે તેઓ સહેલાઈથી માની ગયા હતાં કે આ લોકો ડોક્ટર હશે અને જ્યારે પણ તેમની તબિયત લથડે ત્યારે સારવાર મેળવવા માટે આ લોકોની પાસે આવતા હતાં. તાવ, શરદી, ઉધરસ સિવાય અનેક રોગ માટે સારવાર મેળવવા માટે સ્થાનિક લોકો અને શ્રમિકો તેમની પાસે આવતાં હતાં.