સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જેને લાડકોડથી ઉછેર કર્યો જેના માટે બાપે રાતદિવસ એક કરી મહેનત કરી એજ દીકરાએ અન્ય યુવતી સાથેના આડા સંબંધની આશકામાં બાપને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે ઉમરપાડા પોલીસે હત્યારા પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો
બનેલ બનાવને પગલે ઉમરપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતકના પુત્રએ જ તેઓની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ ગુનાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છેઅને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...બી. કે. વનાર (ડીવાયએસપી, સુરત ગ્રામ્ય પોલીસ)
શું બન્યું : ઉમરપાડાના ઉમરગોટ ગામ ખાતે આવેલ કદવાલી ફળિયામાં રહેતા છત્રસિંગ નાનસિંગ વસાવા જેઓ ઉમરપાડાના કેવડી ગામની મુખ્ય બજારમાં ફર્નિચરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતાં. ત્યારે ગત પાંચ તારીખના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં પિતા છત્રસિંગ નાનસિંગ વસાવા ઘરે બેઠા હતાં તે દરમિયાન તેઓનો દીકરો અનીશ ઘરે આવ્યો હતો અને આટલી ઉંમરે અન્ય સ્ત્રી જોડે આડા સંબંધ કેમ રાખો છો, તમને શરમ નથી આવતી તેમ કંઈ ઉશ્કેરાઈ ગયો હતો.અને આવેશમાં આવીને પિતા છત્રસિંગ નાનસિંગ વસાવાને છાતી, માથા અને હાથના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. જેને લઇને છત્રસિંગ લોહીથી લથપથ થઈ ગયા હતા.
હત્યા કરી ફરાર : ઘરમાં રસોઈ બનાવી રહેલ પત્ની કીર્તિબેન સહિત આજુબાજુમાં રહેતા પાડોશીઓ દોડી આવતા હત્યારો પુત્ર અનીશ ભાગી ગયો હતો.પાડોશીઓ તાત્કાલિક 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતાં.
આડાસંબંધની શંકા : સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા તાત્કાલિક ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યારા પુત્રને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ગણતરીની કલાકોમાં જ પોલીસ આ હત્યારા પુત્રના કોલર સુધી પહોંચી ગઈ હતી અને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની આશંકામાં પોતાના જ બાપને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.