સુરત : ચોકબજાર વિસ્તારમાં પોતાની બાળકીની હત્યાની આરોપી માતા બિલ્કીશબાનુનું સુરત લાજપોર જેલમાંં મોત નીપજ્યું છે. આરોપી માતા બિલ્કીશબાનુની ગઈકાલે સવારે અચાનક છાતીમાં દુઃખાવો થયાં બાદ તબિયત બગડી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. જોકે મોતનું સાચું કારણ જાણવા માટે બિલ્કીશબાનુના મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
108માં હોસ્પિટલ લઇ જવાઇ : સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં 5 વર્ષીય બાળકીની હત્યાનો મામલો ગત એપ્રિલ માસમાં બન્યો હતો.જેમાં પોલીસ તપાસ બાદ ધરપકડ કરાયેલી આરોપી માતા બિલ્કીશબાનુ જેલમાં લઇ જવાઇ હતી. આરોપી માતા બિલ્કીશબાનુની તબિયત સોમવારે સવારે લથડતાંં જેલના હેલ્થ સેન્ટરમાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે 108માં નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતાં. કયા કારણસર તબિયત બગડી અને મોતનું સાચું કારણ શું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે.
આરોપી બિલ્કીશબાનુ અબ્દુલ ગિલાની જેઓ ગત 29 એપ્રિલથી જેલમાં હતાં અને ગઈકાલે સવારે તેમને અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેમને અહીં જેલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ વધુ તબિયત ખરાબ થતા તેમને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતાં. મોત કયા કારણસર થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે... લાજપોર જેલ અધિકારી
દિવ્યાંગ દીકરીની હત્યાનો આરોપ : આરોપી મહિલા બિલ્કીશબાનુએ પોતાની પાંચ વર્ષની દિવ્યાંગ દીકરીની ગત 27 એપ્રિલના રોજ પોતાના જ ઘરે હત્યા કરી સિવિલ હોસ્પિટલ લઈને ગઈ હતી. ત્યાં ડોક્ટર અને પોલીસે દીકરીનું મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી કે દીકરીના પેટ અને આંતરડાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતાં. જેથી પોલીસે માતાની કડકાઈથી પૂછપરછ કરતાંં હકીકત સામે આવી હતી અને ગત 28 એપ્રિલે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં મામલે બિલ્કીશબાનુ જેલમાં હતી.