સુરત : સુરત પોલીસે એક ભેજાબાજની ધરપકડ કરી છે. આ શખ્સ ગુગલ ઉપર સર્ચ કરી દેશના ધનાઢ્ય વ્યક્તિના નામે સમાજના પ્રતિષ્ઠિત લોકોને વોટ્સએપ કોલ કરી વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ તેમને ભરોસો આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાની ગેંગનાં સાગરીતની શહેરના પર્વત પાટિયા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
લાખો રૂપિયાની ઠગાઈ : સુરતમાં આ આરોપીએ પોતાના મિત્ર સાથે મળી શહેરના જ વેપારીના નામે 35 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ તેણે બે અલગ અલગ જગ્યા પર આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 તેમજ 50 લાખ રૂપિયાની રકમ પડાવી હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે. આ ગુનામાં પણ આરોપી વોન્ટેડ હતો.
ભેજાબાજ ઠગ : સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આશરે 10 મહિના પહેલા શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત આંગડિયા પેઢીમાં બુલિયન માર્કેટના વેપારીના નામે 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી સુરત શહેરમાં આવ્યો છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ કેસમાં નાસતા ફરતા આરોપી કુંભારામ નવારામ ચારણની ધરપકડ કરી હતી. આરોપી પોતાના મિત્ર સાથે મળીને આંગડિયામાં બુલિયન વેપારી સુધી પહોંચ્યો હતો. ત્યાં આરોપીએ 35 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આવી જ રીતે આ ગેંગના મુખ્ય સભ્ય મોરસિંગના કહેવાથી તેણે મુંબઈ ખાતે પણ 35 તેમજ 50 લાખ રૂપિયા આંગડિયા મારફતે મંગાવીને પડાવી લીધા હતા. આ ગુનામાં બંને આરોપીઓ વોન્ટેડ હતા.
આ સમગ્ર મામલે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેની સાથે ગુનાને અંજામ આપનાર અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. -- લલિત વાઘડિયા (PI, DCB સુરત)
આવી રીતે કરતો છેતરપિંડી : આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના PI લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ દેશના ધનાઢ્ય લોકોના નામનો ઉપયોગ કરતા હતા. આ માટે તેઓ ગૂગલ ઉપર નામ સર્ચ કરતા અને તમામ પ્રકારનો ડેટા મેળવી આ લોકો સમાજના પ્રતિષ્ઠિત લોકોને કોલ કરતા હતા. ત્યારબાદ તેઓ અર્જન્ટ પૈસાની જરૂર છે એકથી બે કલાકમાં તેઓ આ પૈસા પહોંચાડી દેશે તેવી ખાતરી પણ આપતા હતા. એટલું જ નહીં આરોપીઓ ટોકન પેટે પણ આ લોકોને પાંચ નોટનો નંબર પણ આપી દેતા હતા. જેથી સહેલાઈથી સામેવાળા વ્યક્તિ આંગડિયા મારફતે તેમને મુંબઈ અને દિલ્હી જેવા શહેરોથી પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.
પોલીસ કાર્યવાહી : લલિત વાઘડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે આ ગેંગના સભ્યો આંતરરાજ્ય ગુનાને અંજામ આપતા હતા. સુરતમાં પણ તેઓએ વેપારી બનીને 35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ સમગ્ર મામલે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેની સાથે ગુનાને અંજામ આપનાર અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યો છે.