સુરતમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને ડામવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા-ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે લાલગેટના સિંધીવાડ ખાતેથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. મુખ્ય આરોપી ઓસામા અને કરણ ઉર્ફે માજરાં સહિત પાંચ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી તેમની પાસેથી સ્નેચિંગના 17 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે એક મોપેડ સહિત બાઇક પણ કબ્જે કરવામાં આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં શહેરના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલ 13 જેટલા મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયા હતા. જ્યારે 17 જેટલા અલગ અલગ ગુનાઓમાં મુખ્ય બે આરોપીઓ શહેર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. મુખ્ય આરોપી ઓસામા અને કરણ ઉર્ફે માંજરો મોબાઈલ સ્નેચિંગ કરતા જ્યાં બાદમાં સહ આરોપીઓને વેચવા માટે આપી દેતા હતા.
આરોપીઓ સૌથી વધુ નિશાન રસ્તે ચાલતા રાહદારીઓને બનાવતા હતા. જેમાં આરોપી ઓસામા મોપેડ અથવા મોટર સાયકલ ચલાવતો અને પાછળ બેઠેલ કરણ ઉર્ફે માંજરો રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતો હતો. જ્યાં બંને પળભરમાં જ ગાયબ થઈ જતા સ્નેચિંગનો ભોગ બનનાર લોકોને ખ્યાલ નહતો આવતો કે, આરોપીઓ કોણ હતા. જેનો લાભ આરોપીઓ ઉઠાવતા હતા.