સુરત : 21 વર્ષ સુધી BSFમાં ફરજ બજાવી દેશની સેવા કરનાર જવાન હવે નિવૃત્ત થયા બાદ પણ દેશની સેવા કરવા માટે આર્થિક રીતે કમજોર વર્ગના યુવાનોને સેનામાં ભરતી થવા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે. યુવા ધન કોઈ ખોટા માર્ગે ન જાય અને દેશ સેવાના ભગીરથ કાર્યમાં જોડાય આ માટે સુરતમાં સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન કાર્યરત છે. જેમાં BSFના રીટાયર્ડ જવાન તેમને ફિઝિકલ ટ્રેનિંગ આપે છે, જ્યારે આ ગ્રુપના શિક્ષિત વર્ગના યુવાનો આશરે 60થી વધુ યુવાનોને ફોર્સિસ જવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.
શું છે સમગ્ર રસપ્રદ વાત : હાલ મુશળધાર વરસાદ વચ્ચે પણ સુરતના ઉધના વિસ્તારમાં 60થી વધુ યુવક યુવતીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ દેશની સેવા કરવા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભારતીય સેનામાં જોડાવા માટે આર્થિક રીતે પછાત વર્ગના યુવક યુવતીઓ સુરતના ઉધના વિસ્તારમાં તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમની મદદ ભારતીય BSFના રીટાયર્ડ જવાન કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આવા યુવાનો કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમ છતાં ભારત દેશની સેવા કરવા માટે સેનામાં જવા માંગે છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ કોઇપણ એકેડમીમાં પ્રવેશ કરી શકતા નથી. તેવા યુવાનોને સુરત શહેરના સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા નિશુલ્ક ભરતી માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.
દેશ સેવા કરવા માટે તેઓ ભાવના રાખે : આ સંસ્થાના સાથે જોડાયેલા BSFના નિવૃત્ત જવાન શિવરાજ સાવલે પોતાનો 21 વર્ષ દેશસેવા આપી ચૂક્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવનાર શિવરાજ ટ્રેનિંગ સેન્ટરમાં પણ સેવા આપી ચૂક્યા છે. જેથી તેમને ખબર છે કે ભારતીય સેનામાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે ફિઝિકલ ટ્રેનિંગની જરૂરિયાત હોય છે. તેમના આ અનુભવ તેઓ હાલ સુરતમાં આવા વર્ગના યુવાનોને આપી રહ્યા છે કે, જેઓ આર્થિક રીતે સક્ષમ નથી તેમ છતાં દેશ સેવા કરવા માટે તેઓ ભાવના રાખે છે. પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી તેઓ યુવાનોને ખાસ ટ્રેનિંગ આપે છે. જેમાં યુવતીઓ પણ સામેલ છે 10 km સુધી યુવાનો અને 7 કિલોમીટર સુધી યુવતીઓને રોજ દોડ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની ફિઝિકલ ટ્રેનિંગ તેઓ નિશુલ્ક આપે છે.
21 વર્ષ સુધી BSFમાં ફરજ બજાવી દેશ સેવા કરી છે. રિટાયર્ડ થયા બાદ પણ વિચાર આવી રહ્યો હતો કે, કઈ રીતે આ સમયે પણ દેશ સેવાને સમર્પિત કરવું. ત્યારે સુરતમાં જાણવા મળ્યું કે, અનેક એવા યુવાનો છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે દેશ સેવા કરવા માટે સેનામાં ભરતી થવાની ઈચ્છા પૂર્ણ કરી શકતા નથી. જેથી તેઓએ એક સંસ્થાનના માધ્યમથી તેમને ખાસ ફિઝિકલ ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો અને આ સંપૂર્ણ રીતે નિશુલ્ક છે. - શિવરાજ સાવલ (નિવૃત્ત BSF, જવાન)
સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ તૈયારી : સંસ્થાના સંસ્થાપક પ્રદીપ શિરસાઠે જણાવ્યું હતું કે, આજના ઘણા યુવાનો સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે અને કરિયર તરફ ધ્યાન આપતા નથી. અનેકવાર ખોટા રસ્તે વળી જાય છે. આવા દેશ સેવા માટે આગળ આવે અને પ્રશિક્ષિત થાય આ માટે અમારી સંસ્થા દ્વારા ખાસ શૈક્ષણિક અને શારીરિક ટ્રેનિંગ આપવામાં આવે છે. અમે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયારીઓ કરાવીએ છીએ અને BSFના જે અમારા જવાન છે. તેઓ એમને ફિઝિકલ ટ્રેનિંગ આપે છે. દક્ષિણ ગુજરાતના આશરે 60થી વધુ યુવાનો હાર્ડ ટ્રેનિંગ મેળવી રહ્યા છે.
મારા પિતા મજૂરી કામ કરે છે. નાનપણથી મારી ઈચ્છા આર્મીમાં જવાની હતી, પરંતુ આર્થિક પરિસ્થતિ સારી ન હોવાના કારણે હું કોઈ એકેડમીમાં જઇ શકતો ન હતો. મને ખબર પડી કે BSFના રીટાયર્ડ ઓફિસર દ્વારા ફ્રી ટ્રેનીંગ આપવામાં આવે છે. હવે લાગે છે દેશ સેવા કરવા માટે મારું જે સપનું છે તે પૂર્ણ થશે. - રતીકાન્ત (ટ્રેનીંગ લેનાર)
પરિવારની પ્રથમ સભ્ય બનવા માંગુ છું : ટ્રેનિંગ મેળવનાર અંજુએ જણાવ્યું હતું કે, હું MBA કરું છું. મારું સપનું છે કે, હું આર્મીમાં જોડાવું. મારા પરિવારમાં કોઈ પણ સભ્ય નથી કે જેઓ સેનામાં ભરતી થયા હોય, જેથી મારી ઈચ્છા છે કે હું પરિવારમાં પહેલી એક સભ્ય બનું જે આર્મીમાં જોડાય. જોકે અનેક એકેડમી છે કે જ્યાં ફીસ મોટી છે. જેથી અમે એડમિશન મેળવી શકાય એમ નથી, પરંતુ હાલ અહીં નિ શુલ્ક તમામ પ્રકારની ટ્રેનિંગ લઈ રહ્યા છે.