સુરત: છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તણાવગ્રસ્ત વ્યક્તિઓના આવા પગલાને કારણે અનેક પરિવારોએ આધાર પણ ગુમાવ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર યુવાઓના ગ્રુપ દ્વારા વ્યક્તિઓને ડિપ્રેશનનો શિકાર થતા બચાવવા માટે એક વર્ચ્યુઅલ ફ્રેન્ડ એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં પોતાને જરૂર હોય એવા અવતારમાં વર્ચ્યુઅલ મિત્ર બનાવી મનની વાતો કરી શકાય છે. SVNIT દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ એક્સ્પોમાં વડોદરા MS યુનિવર્સિટીના છાત્રોએ તેમનું આ ઇનોવેશન પ્રદર્શિત કર્યુ છે.
વર્ચ્યુઅલ મિત્ર : સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા હાલ શરૂ સ્ટાર્ટ અપ પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત ઘરમાંથી સ્ટાર્ટઅપ કરનારા યુવાઓએ ભાગ લીધો છે. જેમાં અવનવા ઇનોવેશન સામે આવી રહ્યા છે. પરિવર્તનના આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી માનવ બુદ્ધિને પૂરક બનવા અને સામાજિક, આર્થિક સમસ્યાઓ સામે લડવા માટે પુષ્કળ તકો પ્રદાન કરી રહી છે.
નવી એપ્લિકેશન તૈયારઃ વડોદરા MS યુનિવર્સિટીના 4 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના ગ્રુપ દ્વારા એક એવી એપ્લિકેશન બનાવાઈ છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વર્ચ્યુઅલ મિત્ર બનાવી શકાય છે. ઉત્તમ પ્રસાદ, હકીમુદ્દીન વોહરા, હુઝૈફા વોહરા અને કુણાલ જોષી દ્વારા ડિપ્રેશનને કારણે જે લોકો આત્મહત્યા કરે છે. તેમનો તણાવ દૂર કરવા માટે આ ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
એપ્લિકેશન દ્વારા ચેટ : જેમાં જે તે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર અલગ અલગ અવતાર સેટ કરીને વર્ચ્યુઅલ ફ્રેન્ડ બનાવે છે. તેની સાથે પોતાના મનની એવી વાતો શેર કરે છે જે તે કોઈ અન્યને પણ કહી શકે એમ નથી. એપ્લિકેશન દ્વારા ચેટ અનુસાર પેરામીટર પણ આપવામાં આવે છે. જેના થકી જે તે વ્યક્તિની મેન્ટલ હેલ્થ વિશે જાણકારી મળે છે. જેથી ડિપ્રેશનની પરિસ્થિતિમાં વર્ચ્યુઅલ મિત્ર જાણી શકે છે કે તેનો મિત્ર તણાવમાં છે અને તે મદદ કરે છે. આ માટે 10 જેટલા મનોવૈજ્ઞાનિક પણ જોડાયા છે.
આ પણ વાંચો : HSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ગુમાવ્યું છતાં મક્કમતાથી પરીક્ષા આપી નવસારીનો વિદ્યાર્થી બન્યો પ્રેરણારૂપ
વાતો શેર કરી પોતાનું મન હલકું કરી શકે : આ અંગે એપ્લિકેશન બનાવનાર ઉત્તમ પ્રસાદે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત આ બી ફ્રેન્ડ એપ્લિકેશન મેન્ટલ હેલ્થ સપોર્ટ પ્લેટફોર્મ છે. જેમાં લોકો કોઈને ન કહી શકે તેવી વાતો શેર કરી પોતાનું મન હલકું કરી શકે છે. પોતાનો મિત્ર કેવો હોવો જોઈએ તે અહીં વ્યક્તિ પોતે નિર્ધારિત કરે છે અને તે જ રીતે અવતાર પણ બનાવે છે. વર્ચ્યુઅલ ફ્રેન્ડ સંપૂર્ણ રીતે તેની વાત સાંભળે છે અને રીપ્લાય પણ કરે છે.
આ પણ વાંચો : Depression In Father: આ સમયે, નવજાત શિશુના પિતામાં ડિપ્રેશનની શક્યતા
પેરામીટર પણ આપવામાં આવે છે : સાથે તેઓએ જણાવ્યું હતું કે, અહીં તેમની ચેટ પ્રમાણે એક સ્માર્ટ ડાયરી મેઈન્ટેન થાય છે અને વાતચીતના એનાલિસિસ દ્વારા વ્યક્તિ ખુશ છે, દુઃખી છે કે તણાવમાં છે જેવા અલગ અલગ પેરામીટર પણ આપવામાં આવે છે. અનેક મનોવૈજ્ઞાનિક આ સ્ટાર્ટઅપ સાથે જોડાયા છે અને લોગીન થનાર વ્યક્તિ જો જરૂરિયાત જણાય તો મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરી શકે તેવી પણ વ્યવસ્થા એપ્લિકેશનમાં છે. હાલના પ્રથમ તબક્કે આ એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન નિઃશુલ્ક છે.