સુરત : દક્ષિણ ગુજરાતમાં સહકારી સુગર મિલોને કારણે મોટાભાગે ખેડૂતો શેરડીની ખેતી કરતા આવ્યા છે. આ રોકડીયા પાકમાં ઉનાળાના સમયમાં સફેદ માખીનો ઉપદ્રવ થતો હોય છે. આ રોગ શેરડીના ઉભા પાકને નષ્ટ કરી શકે છે. જો કે વરસાદ પડતાંની સાથે જ સફેદ માખી પર નિયંત્રણ આવી જતું હોય છે. જો કે આ વખતે ચોમાસામાં પણ સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નવા રોપણમાં પણ આ સફેદ માખીએ ઉત્પાત મચાવ્યો છે. ખેડૂત સમાજ પણ હાલમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે તેવી ચિંતા વ્યક્ત કરી છે.
શેરડી અંદરથી ખોખલી કરી નાખે છે : શેરડીની અંદરથી ખોખલી કરી નાખતી આ સફેદ માખીને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના સેવાઇ રહી છે. સફેદ માખી શેરડીના પાન પર હારબંધ ઈંડા મૂકે છે. આ ઇંડામાંથી નીકળેલા બચ્ચાં પાન પર એક જગ્યાએ ચોંટીને તેમાંથી રસ ચૂસી લે છે. જેને કારણે પાન પીળા પડે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ થાય છે. જેને કારણે પાન કાળા પડી જાય છે.
શેરડીનો ગ્રોથ ઓછો : સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સફેદ માખીએ ઉત્પાત મચાવ્યો છે. આ રોગે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. સફેદ માખીને કારણે તેમજ સતત વરસાદને કારણે શેરડીનો જે ગ્રોથ થવો જોઈએ તે થઈ શકતો નથી. જેને કારણે એકર દીઠ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે.
ખાંડના ભાવ વધે તેવી સંભાવના : શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર સુગર મિલો પર પણ પડશે. સુગર મિલોને જથ્થો ઓછો મળવાથી ખાંડનું ઉત્પાદન ઘટશે. જેને કારણે ખાંડના ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ખાંડના ભાવ વધે તો ખેડૂતોને તેનો ફાયદો મળી શકે છે.
શેરડીના ઓછા ઉત્પાદનથી ખાંડનું ઉત્પાદન પણ ઘટશે. દેશમાં ઇથેનોલની પોલિસી અને ખાંડનું ઓછું ઉત્પાદનની સંભાવનાને લઈ ખાંડના બજાર ભાવ પણ ઊંચા રહે તેવી શક્યતાઓ છે. શેરડીનો ઉતાર ઓછો આવવાનો છે. આથી સરકાર ખેડૂતો માટે એમ.એસ.પી. ભાવોમાં વધારો કરે તો ખેડૂતોને રાહત થાય એમ છે. તેમજ ખાંડની નિકાસને છૂટ આપે તો ખેડૂતોને ઘણો આર્થિક ફાયદો થઇ શકે એમ છે...પરિમલભાઈ પટેલ (પ્રમુખ, સુરત જિલ્લા ખેડૂત સમાજ )
નવા રોપાણમાં પણ જોવા મળ્યો ઉપદ્રવ : સહકારી ક્ષેત્રમાં એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીમાં પણ બેથી ત્રણ ટન શેરડીનો જથ્થો ઓછો આવે તેવી સંભાવના છે. નવી શેરડીના રોપણમાં પણ સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બારડોલી સુગર ફેક્ટરીના કાર્યવિસ્તારમાં લગભગ 186 એકર નવા રોપાણમાં પણ સફેદ માખીની અસર દેખાઈ છે.
1લી ઓક્ટોબરથી રોપણ શરૂ કરવું જોઈએ : સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ અને બારડોલી સુગર ફેકટરીના ડિરેકટર પરિમલ પટેલે જણાવ્યું હતું કે, સફેદ માખી પર કાબૂ મેળવવા માટે દરેક સુગર ફેક્ટરી 1લી ઓક્ટોબરથી રોપાણ સિઝન ચાલુ કરે તે હિતાવહ છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી રોપાણ થતું આવ્યું છે. ખેડૂતો શેરડી રોપવા માટે ઉનાળામાં જ ખેતર તૈયાર કરી દેતાં હોય છે જેને કારણે આખું ચોમાસુ ખેતરમાં પાણી ભરાઇ રહે છે. ભેજવાળું વાતાવરણ થતાં શેરડી રોપણીના સમયે સફેદ માખીનો ઉપદ્રવની સાથે સાથે અન્ય રોગો પણ વધે છે. જો ઓક્ટોબરમાં રોપાણ ચાલુ કરવામાં આવે તો ચોમાસુ લગભગ પૂર્ણતાના આરે હોય ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી નથી અને તેથી આવા રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે.