સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં એક ફર્નિચરના વેપારીના પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. આ સામુહિક આત્મહત્યા કેસમાં સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે સ્પેશિયલ ટીમની રચના કરી છે. જેમાં પોલીસના જુદા જુદા વિભાગના ઓફિસર તપાસ કરશે. હાલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે એક્સિડેન્ટલ ડેથ(એડી)ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પીએમ રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસોઃ સાત જણના પરિવારે કરેલી સામુહિક આત્મહત્યામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 7 સભ્યોમાંથી માતા અને દીકરીનું મૃત્યુ ગળુ ટૂંપી દેવાના લીધે થયું છે.
સામુહિક આત્મહત્યાઃ સુરતના અડાજણમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં મનીષ સોલંકી પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પિતા કનુભાઈ, માતા શોભનાબેન, પત્ની રીટા, દીક્ષા, કાવ્યા અને કુશલ નામના ત્રણ બાળકો એમ કુલ 7 જણા હતા. મનીષભાઈને માતાજીની માનતાથી દીકરો અવતર્યો હતો. મનીષભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. મનીષભાઈએ પહેલા માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ડિવાઈન 500 નામક ઝેરી કેમિકલ પીવડાવી દીધું હતું. આ છ જણના મૃત્યુ બાદ તેમણે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બીજા દિવસે સવારે પાડોશીઓને ઝેરની તીવ્ર વાસ અનુભવાતા પહેલા દરવાજો ખખડાવ્યો. કોઈ પ્રતિસાદ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્યુસાઈડ નોટઃ મનીષભાઈએ આ ઘટનાને અંજામ આપતા પહેલા એક પાનાની સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે આખી જિંદગી લોકોનું ભલું કર્યુ છે પરંતુ લોકો તરફથી તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો નથી. મેં જીવન દરમિયાન કોઈને તકલીફ આપી નથી હવે મૃત્યુ બાદ પણ હું કોઈને તકલીફ આપવા માંગતો નથી. મૃતકે નોટમાં કોઈપણ વ્યક્તિને જવાબદાર ઠેરવ્યા નથી અને કોઈનું નામ પણ લખ્યું નથી.
દીકરા માટે બાધાઃ મનીષભાઈને બે દીકરીઓ હતી. તેમણે પુત્ર અવતરણ માટે કુળદેવીની બાધા રાખી હતી. તેમની બીજી દીકરીના જન્મના 4 વર્ષ બાદ તેમણે ઈશ્વરકૃપાથી પુત્ર પણ થયો હતો. મનીષભાઈની ઈચ્છા કુળદેવીએ પુરી કરી હતી. તેથી સમગ્ર પરિવાર ખુશખુશાલ જીવન વ્યતિત કરતો હતો. આ ઘટનામાં એવું તે શું બન્યું કે સમગ્ર લીલીવાડી જેવો પરિવાર આત્મહત્યાની વેદીમાં હોમાઈ ગયો, આ સવાલ પરિવારના સગા સંબંધી, આડોશી-પાડોશી પુછી રહ્યાછે.
આર્થિક સંકડામણ ન જણાઈઃ અડાજણ પોલીસ આ સામુહિક આત્મહત્યાની તપાસમાં જોતરાઈ છે. પોલીસને પ્રાથમિક તપાસમાં સ્યુસાઈડ નોટ ઉપરાંત ઘરમાંથી કેશ પણ મળી આવી છે. તેથી આર્થિક ભીંસમાં આવી જઈને આ પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાતું નથી. એફએસએલ ટીમે પણ ઘટના સ્થળની તપાસમાં જોડાઈ હતી. જો કે ઝેરી દવા ડિવાઈન 500 સિવાય અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી.
આ સામુહિક આત્મહત્યાની સઘન તપાસ ડીસીપી, એસીપી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ કરશે. હાલ અડાજણ પોલીસે પ્રાથમિક એક્સિડેન્ટલ ડેથની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી ડીવાઈન 500 નામક જંતુનાશક દવા મળી આવી છે. ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરાયા છે. અજય તોમર, પોલીસ કમિશ્નર, સુરત