સુરતઃ ફર્નિચરના એક વેપારીએ કુટુંબના છ સભ્યો સહિત કરી સામુહિક આત્મહત્યા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં બે વૃદ્ધ, બે જુવાન અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને ખબર મળતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં કોઈકને આપેલા પૈસા પરત ન આવવાના હોવાથી આ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના અડાજણમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં મનીષ સોલંકી પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પિતા કનુભાઈ, માતા શોભનાબેન, પત્ની રીટા, દીક્ષા, કાવ્યા અને કુશલ નામના ત્રણ બાળકો એમ કુલ 7 જણા હતા. મનીષભાઈને માતાજીની માનતાથી દીકરો અવતર્યો હતો. મનીષભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. થોડા દિવસ પહેલા મનીષે પત્ની માટે ઈલેક્ટ્રિક બાઈક પણ ખરીદી હતી. આર્થિક સંકડામણની કોઈ પરિસ્થિતિ નહોતી. જોકે લોકો મનીષને પૈસા પરત નહીં કરતા તેને સામુહિક આત્મહત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. મનીષભાઈએ અનેક લોકોને પૈસા ઉછિતા આપ્યા હતા. આ પૈસા પરત આવવાના કોઈ એંધાણ જણાતા નહતા. તેથી નિરાશ થઈને મનીષભાઈએ ગઈકાલે રાત્રે પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. મનીષભાઈએ પહેલા માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી કેમિકલ પીવડાવી દીધું હતું. આ છ જણના મૃત્યુ બાદ તેમણે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે એક સ્યુસાઈડ નોટ લખી છે જેમાં આપેલા પૈસા પરત ન આવવાના હોઈ આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું છે. એક સાથે ત્રણ શબવાહિનીમાં મૃતદેહો જતા જોઈ સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યો હતો.
પોલીસ કાર્યવાહીઃ પોલીસને ખબર મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. ઘટનાની ગંભીરતા પારખીને પોલીસના ઉચ્ચ અઘિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે મૃતદેહોના પીએમ માટે હોસ્પિટલ પહોંચાડ્યા છે. પોલીસ એફએસએલ વિભાગની પણ મદદ લઈ રહી છે.
આ સામુહિક આત્મહત્યામાં 7 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ લીધો છે જ્યારે બાકીના 6 લોકોનું મૃત્યુ કોઈ ઝેરથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી છે...રાકેશ બારોટ(ડીસીપી, સુરત પોલીસ)
હું મૃતક પરિવારનો સંબંધી છું. લોકો ભેગા થયા ત્યારે મને ખબર પડી કે આવી કરુણ ઘટના બની છે. મૃતક ફર્નિચર કામ સાથે સંકળાયેલા હતા. શા માટે સામુહિક આત્મહત્યા કરી તેની મને કોઈ જાણકારી નથી...ચિંતનભાઈ(મૃતક પરિવારના સંબંધી, સુરત)