સુરત : જિલ્લામાં હાલ સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. કામરેજ તાલુકાના ઘલા ગામ નજીક પસાર થતા ઘલા - બૌધાન રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇકો કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. ગાડી શેરડીના ખેતરમાં પલટી મારી ગઈ હતી.
બે ઈજાગ્રસ્ત : ઘટનાને પગલે રોડ પર પસાર થઈ રહેલા વાહન ચાલકો થોભી ગયા હતા. ઇકો કારમાંથી એક મહિલા અને પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા. બંને વ્યક્તિને પગના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી. આ અકસ્માત અંગે હજુ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસને ટેલીફોનીક જાણ કરવામાં આવી છે.
ઇકો ગાડીમાં સવાર બંને વ્યક્તિને પગના ભાગે ઈજા થઈ હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇકો કાર ભરૂચથી માંડવી તાલુકાના ગોદાવડી ગામે જતી હતી. તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઇ મોટી જાનહાનિના સમાચાર ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો.-- કીકાભાઈ (સ્થાનિક આગેવાન)
બીજો બનાવ : અન્ય બનાવની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ કામરેજ તાલુકાના ઊંભેળ ગામમાં પસાર થતા નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આશરે 50 થી 55 વર્ષીય અજાણ્યા આધેડનું મોત નિપજ્યું હતું. કામરેજ પોલીસને આ અંગે જાણ થતા તે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચી મૃતદેહનો કબજો લઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આધેડનું મોત : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઊંભેળ ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. ત્યાં કચરો વીણવાનું કામ કરતા 50 થી 55 વર્ષીય આધેડ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને બેફામ હાઇવે પર દોડી રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓને શરીરે થઈ હતી. તેઓને પૂરતી સારવાર મળે તે પહેલા જ આધેડનું મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ : હાઇવે પર અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.