બારડોલી: બારડોલી મહુવા રોડ પર બમરોલી ગામ પાસે પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે સામેથી આવતી એક સ્વિફ્ટ કારને ટક્કર મારી 100 મીટર દૂર સુધી ઢસડી જતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં બેઠેલા એક જ પરિવારના 7 પૈકી 6 જણાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે પરિવાર માંડવી તાલુકાના તરસાડાબારથી મહુવા તાલુકાનાં તરસાડી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી પાછા આવી રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી.
આ ખૂબ જ દુખદ ઘટના છે. પોલીસ અને આર.ટી.ઑ.ની ટીમ દ્વારા બંને વાહનોનું નિરક્ષણ કરવામાં આવશે. એફ.એસ.એલ.ની ટીમ પણ તપાસ કરી રહી છે. સાથે જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. અકસ્માતમાં મોતને ભેટેલા મહેશભાઈ, તેમની પત્ની વનિતાબેન અને પુત્રી નવ્યાના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તેમની અંતિમ વિધિ તરસાડા બાર ખાતે કરવામાં આવશે. જ્યારે ત્રણેય ભાણેજોના મૃતદેહ પાટણ મોકલવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.--હિતેશ જોઈસર,એસ.પી. સુરત ગ્રામ્ય
જીવલેણ અકસ્માત થયોઃ જ્યાંથી પરત ફરતી વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંડવી તાલુકાનાં તરસાડા-બાર ગામે રહેતા મહેશભાઇ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વર્ષ 40) વડોદરા રેલ્વે પોલીસમાં જમાદાર તરીકે નોકરી કરતાં હતા. તેમના મોટાભાઈના સાસરે લગ્નપ્રસંગ હોય તેઓ પરિવાર સાથે સ્વિફ્ટ કાર નંબર GJ 19AM 6835માં મહુવા તાલુકાના તરસાડી ખાતે ગયા હતા. તેમની સાથે પત્ની વનિતાબેન(ઉ.વર્ષ 37), પુત્ર મીત(ઉ.વર્ષ 17), પુત્રી નવ્યા (ઉ.વર્ષ 12)તેમજ ત્રણ ભણેજો તમન્ના હર્ષદ પટેલ(ઉ.વર્ષ 16), મેઘા હર્ષદ પટેલ (ઉ.વર્ષ 22)અને અક્ષીત હર્ષદ પટેલ ઉ.વર્ષ 12 (તમામ રહે પાટણ) પણ કારમાં સવાર હતા. તરસાડીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા.
કાર સાથે ટક્કરઃ થોડે દૂર બમરોલી ગામની સીમમાં વળાંક પાસે સામેથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ કારને 100મી મીટર સુધી ઢસડીને લઈ જતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. સ્થાનિક લોકોએ દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી. કારમાં સવાર લોકોને પતરા કાપીને બહાર કાઢવા પડ્યા હતા. અંદર બેઠેલા 7 પૈકી 6નાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જ્યારે મીતને ઇજા થતાં તેને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતદેહોને બારડોલીની સરકારી હોસ્પિટલના પી.એમ.રૂમ પર લઈ જવામાં આવ્યા હતા.
પરિવારમાં માતમ છવાયોઃ જ્યાં પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. એક જ પરિવારના 6 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં માતમ છવાય ગયો હતો. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર પણ ધ્રુજી ઉઠ્યું હતું. બહેને ત્રણેય સંતાનો ગુમાવ્યા હતા. મૃતક મહેશભાઇની બહેન રસિલાબેન હર્ષદભાઈ પટેલના તમામ ત્રણ સંતાનોના અકસ્માતમાં મોત થતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. રસિલાબેને પાટણ ખાતે રહે છે. તેઓ લગ્ન પ્રસંગે પિયર આવ્યા હતા. તેમની બે પુત્રીઓ તમન્ના હર્ષદ રાઠોડ, ગુડ્ડી હર્ષદ રાઠોડ અને એક પુત્ર હર્ષિત હર્ષદ રાઠોડ મામા મહેશભાઇ સાથે કારમાં ગયા હતા. રસિલાબેન અને તેમના પરિવારે પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર પર સ્થળ પર આવી પહોંચ્યા હતા. સ્થાનિક કૌશલ પટેલે જણાવ્યું હતું કે, માટેલા સાંઢને જેમ જતા ડમ્પરો સામે કાર્યાવહી થવી જોઈએ.