સુરત : માંગરોળ તાલુકાના મહુવેજ ખાતે આવેલી ફેડ્રીલ પાર્કમાં કરુણ બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી ઓર્બિટ એક્સપોર્ટ લિમિટેડ કંપનીમાં ચીમની સાફ કરવા ગયેલા 30 વર્ષીય યુવક ઉપર રાખ પડી હતી. યુવક રાખના ઢગલા નીચે દબાઈ જતા ગૂંગળાઈને બેહોશ થઈ ગયો હતો. બાદમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
કરૂણ દુર્ઘટના : માંગરોળ તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છાસવારે સર્જાતા અકસ્માતોમાં મહામુલી માનવ જીંદગી હોમાઈ રહી છે. ત્યારે કોસંબા પોલીસની હદમાં મહુવેજ ગામે આવેલ ફેડ્રીલ ટેક્ષટાઇલ પાર્કમાં આવેલી ઓરબીટ કંપનીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. 30 વર્ષીય મજૂર વિજય રામપ્યારે યાદવ ઓરબીટ એક્સપોર્ટ કંપનીમાં ચીમનીની સાફ સફાઈ કરી રહ્યો હતો. સાફ સફાઈ દરમિયાન અચાનક ચીમનીની રાખ વિજય રામપ્યારે યાદવ ઉપર પડતા તે રાખના ઢગલામાં દબાઈ ગયો હતો.
બનાવના પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં 30 વર્ષીય વિજય રામ પ્યારે યાદનું ગૂંગળામણથી મોત થયું હોવાનું જાણવા મળે છે. -- જે.એ. બારોટ (PI, કોસંબા પોલીસ મથક)
શ્રમિક યુવકનું મોત : આકસ્મિક બનેલી આ દુર્ઘટનામાં રાખ નીચે દબાઈ જતા ગુંગળાઇ જવાથી શ્રમજીવી મજૂર બેહોશ થયો હતો. જોકે વિજયને ગંભીર અવસ્થામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ રાખ નીચે દબાઇ ગયેલા વિજયનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ અંગે કોસંબા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહી : કોસંબા પોલીસ મથકના PI જે.એ. બારોટે જણાવ્યું હતું કે, બનાવના પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં 30 વર્ષીય વિજય રામ પ્યારે યાદનું ગૂંગળામણથી મોત થયું હોવાનું જાણવા મળે છે.