સુરત : રાજ્ય સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ટીઆરબી જવાનોને છૂટા કરી દેવાનો નિર્ણય લેવાયો છે. તંત્રના આ નિર્ણયથી હજારોની સંખ્યામાં ટીઆરબી જવાન બેરોજગાર થઈ જશે, ઉપરાંત તેમના પર નભતા પરિવારજનોનો જીવનને માઠી અસર થશે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત ટીઆરબીની મહિલાકર્મીનો દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાને ગર્ભાશયમાં ચાર ગાંઠ હતી. આ હાલતમાં પણ સારવાર દરમિયાન તેઓએ ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવી અને લોકોની ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી. સિંગલ મધર હોવાથી પોતાની સાથે દીકરીનું ભરણપોષણ કરવા માટે નોકરી કરતી આ મહિલા પોતાની તકલીફ અંગે જણાવતા બીપી લો થઈ જતા મૂર્છિત થઈ ગયા હતા.
સુરતની 45 વર્ષીય નીતા ગામીત માટે ટીઆરબીની નોકરી ખૂબ જ મહત્વની છે. કારણ કે તેમના ઘરમાં નોકરી કરનાર કોઈ અન્ય વ્યક્તિ નથી. નીતા ગામીત વિધવા છે અને તેમની એક દીકરી છે. દીકરીના શિક્ષણ અને ભરણપોષણની જવાબદારી તેમની ઉપર છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ આ ઉંમરમાં તે નોકરી શોધવા માટે ક્યાં જશે આ પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે.
નીતાબેન ગામીતે જણાવ્યું હતું કે, વર્ષ 2013 માં તેઓને ગર્ભાશયમાં ચાર કેન્સરની ગાંઠ હતી. તેની સારવાર બે વર્ષ સુધી ચાલી હતી. આવી પરિસ્થિતિમાં પણ તેઓને આ નોકરી કરવી પડી હતી કારણ કે, તેમના પરિવારની જવાબદારી તેમના પર હતી. પરંતુ આજે જ્યારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે ત્યારે રોજગારનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. પોતાની વ્યથા જણાવતાં નીતાબેનનું બીપી લો થઈ જતાં તેમના સાથી મહિલા જવાન પણ ચિંતામાં મુકાયા હતા.
મહિલા ટીઆરબી નીતા ગામીતે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી ટીઆરબીમાં નોકરી કરી રહ્યા છે. તેઓ વિધવા છે અને તેમની એક દીકરી છે. તેઓ ભાડાના મકાનમાં રહે છે અને દીકરીના શિક્ષણ સહિતની તમામ જવાબદારીઓ ઉઠાવે છે. અત્યારે તેમને છૂટા કરવામાં આવી રહ્યા છે તો કઈ રીતે દીકરીની જવાબદારી ઉઠાવશે તે મોટી સમસ્યા છે. તેઓએ કહ્યું કે, કઈ રીતે ભરણપોષણ કરીશ, મારી આ તકલીફ હું કોને કહીશ, અત્યારે અમને છૂટા કરવામાં આવે છે તો અમે કોના સહારે રહીશું, આ અંગે કોને ફરિયાદ કરીશું ?
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013 માં મને ગર્ભાશયનું કેન્સર થઈ ગયું હતું. મહાવીર હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવ્યું હતું. ગર્ભાશયમાં ચાર ગાંઠ હતી અને તમામ કેન્સરની હતી. કેન્સરના જે કીટાણુ હતા તે મારા શરીરમાં ફેલાઈ ગયા હતા. તેની ટ્રીટમેન્ટ મને ભરત કેન્સર હોસ્પિટલમાં કરાવવાની હતી. મને ઇન્જેક્શન મુકવાની ફરજ પડી હતી. બે વર્ષ સુધી મેં ઇન્જેક્શન મુકાવ્યા. તે દરમિયાન મારી ફરજ સુરત શહેરના સહારા દરવાજા ખાતે હતી. તે સમયે બ્રિજ બન્યો નહોતો તેથી વધારે ટ્રાફિક જામ થતો હતો. તેમ છતાં હું ત્યાં ટેમ્પા વાળા પાસેથી વેચાતી સક્કરટેટી લઈ ખાઈને ઇન્જેક્શન મૂકાવવા જતી હતી. એક ઇન્જેક્શન 150 થી 200 રૂપિયા સુધીમાં આવતું. જ્યારે આ ઇન્જેક્શન મને લગાવવામાં આવે ત્યારે ચક્કર આવતા હતા. હું હોસ્પિટલમાં અડધો કલાક જઈને ફરીથી ફરજ પર આવી જતી હતી. આવી રીતે નોકરી કર્યા બાદ પણ જો તમને છૂટા કરવામાં આવે તો તેની તકલીફ કોને કહીએ ?