સુરતઃ એસ.ટી સેવાનો આજથી ફરી પ્રારંભ થયો છે. આજથી એસ.ટી ડેપો પરથી આંતર જિલ્લાના તાલુકામાં બસો દોડાવવામાં આવી રહી છે. જ્યાં, સુરતથી અંકલેશ્વર અને સુરતથી વાપી સુધી બસ રવાના કરવામાં આવી રહી છે. ચાર ઝોન પ્રમાણે સુરત દક્ષિણ ઝોનમાં આવતું હોવાથી દક્ષિણ ગુજરાતના માંડવી, બારડોલી, સોનગઢ, પલસાણા, વાલોડ અને વ્યારા ખાતે બસો દોડાવવામાં આવી રહી છે. સાથે અહવા, ડાંગ સુધી પણ એસ.ટી બસ દોડી રહી છે. વહેલી સવારથી હમણાં સુધી 13 જેટલી એસ.ટી બસો ડેપો પરથી રવાના કરવામાં આવી છે.
કોવિડ -19ના નિયમો પ્રમાણે 51 શીટરની બસમાં માત્ર 30 જેટલા પ્રવાસી બેસાડવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ પણ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીને બેસાડતા પહેલા અને બાદમાં બસને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે.
તમામ એસ.ટી બસમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખી માત્ર 30 મુસાફરો ને બેસાડવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 1,100 જેટલી ટ્રીપ એસ.ટી ડેપો પરથી મારવામાં આવે છે. જો કે, હાલ ચાલી રહેલા લોકડાઉનના પગલે ટ્રીપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજથી સેવાનો પ્રારંભ થતા માત્ર બે ટકા પ્રવાસીઓનો ઘસારો ડેપો પર જોવા મળ્યો હતો. જો કે, એસ.ટી.સેવા શરૂ થતાં ધંધાર્થીઓને પણ મોટી રાહત મળી છે.