સુરતમાં: દેશભરના લોકોને હચમચાવી દેનાર સોલંકી પરિવાર આપઘાત કેસમાં સુરત પોલીસે આપઘાત કરનાર મનીષ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં સોલંકી પરિવારના સાત સભ્યોના સામૂહિક આપઘાતના કેસમાં પોલીસની તપાસમાં હજી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ મનીષ સોલંકીએ માતા અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી, તેમજ પિતા, પત્ની, બે બાળકો સહિતને કોઇ પદાર્થમાં ઉધઈ મારવાની ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો ઉલ્લેખ પીએમ રિપોર્ટમાં થયો છે.
નોંધી વધુ તપાસ હાથ ધરી: પાલનપુર પાટિયા સ્થિત સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને સોલંકી પરિવારના મોભી એવા મનીષ, તેની પત્ની રેશ્માબેન, પુત્રીઓ દિશા, કાવ્યા, પુત્ર કુશલ અને પિતા કનુભાઇ, માતા શોભાબેન સહિત સોલંકી પરિવારના સાત સભ્યોના સામૂહિક આપઘાતના બનાવ અંગે તપાસના અંતે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ અડાજણ પોલીસ સમક્ષ સામુહિક હત્યામાં મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં મનીષ સોલંકીએ માતા અને પુત્રીનું ગળુ દબાવીને હત્યા કરી હતી, જયારે અન્ય પરિવારના સભ્યોને કોઇ પદાર્થમાં ઉધઇ મારવાની ઝેરી દવા મિશ્રણ કરીને પીવડાવી દીધી હતી. પોલીસે મોડી સાંજે મનીષ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો: આ સમગ્ર મામલે તપાસ કરવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે ખાસ એસઆઇટીની રચના પણ કરી છે. જે હાલ આપઘાત પાછળનું કારણ શું હતું તેની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે ડીસીપી રાકેશ બારોટ જ જણાવ્યું હતું કે આપઘાત પહેલા મનીષ સોલંકી એ માતા અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી આ અંગે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે એટલું જ નહીં તેને પરિવારના અન્ય સભ્યોને ઉગાઈ મારવાની ઝેરી દવા પણ પીવડાવી હતી. પછી તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક મનીષ વિરોધ હત્યાનો ગુનો નોંધી તેની વધુ તપાસ ચાલી રહી છે.
તાળો મેળવતી પોલીસ: સામૂહિક આપઘાતના બનાવમાં પોલીસે મનીષના ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો, ગ્રાહકો અને જુદી જુદી બેંકના લોન એજન્ટોને બોલાવીને ફરીવાર નિવેદન લઇને પૂછપરછ કરી રહી છે, જેમાં મનીષના ફર્નિચરના ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમ અને બેંકની લોનની રકમના હપ્તાનો તાળો મેળવવામાં આવી રહ્યો છે. તેમજ એફએસએલમાંથી મોબાઇલ ફોનની ડિટેઇલના આધારે પોલીસ કડી મેળવવા કવાયત કરી રહી છે.