સુરત : હરિદ્વારમાં ભવ્ય રીતે માં ગંગા નદીની આરતી થાય છે અને આ ગંગા આરતીના દર્શન કરવા દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે હવે સુરતમાં પણ ગંગા આરતીની જેમ જ માં તાપી નદીની આરતી કરવામાં આવી હતી. સુરતમાં જહાંગીરપુરા સ્થિત રામમઢી ઓવરા ખાતે આજે માં તાપી નદીની ગંગા આરતીની જેમ જ મહાઆરતી કરવામાં આવી હતી. હવેથી રોજ માં તાપી નદીની આરતી કરવામાં આવશે.
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા : સુરતની જીવાદોરી સમાન સૂર્યપુત્રી તાપી નદી દેશની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ પણ ઉજવામાં આવે છે. એવું કહેવાય છે કે માં તાપી નદીના સ્મરણ માત્રથી દુઃખો નષ્ટ થાય છે. તાપી નદીના જન્મદિવસ નિમિતે વીશાળ ચુંદડી પણ માં તાપી નદીને અર્પણ કરવામાં આવે છે. પવિત્ર તાપી નદીની હવે ગંગા આરતીની જેમ જ રોજ આરતી થશે. શનિવારે થયેલી મહાઆરતીમાં મંત્રી દર્શના બેન જરદોષ સહિતના નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાજર સૌ કોઈ માં તાપી નદીની આ મહા આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
નવરાત્રિના સાતમના દિવસે જહાંગીરપુરા ખાતે આવેલા રામમઢી ઓવારાના લાલઘાટ ઉપર ભવ્ય તાપી માતાજીની આરતી કરવામાં આવી છે અને આ આરતી દર અઠવાડિયે શનિવાર તેમજ રવિવારના રોજ શહેરીજનો અને બહારથી આવતા લોકોને જોવા મળશે. કહેવાય છે કે ગંગાનું સ્નાન, યમુના પાન, નર્મદાના દર્શન અને તાપીનું સ્મરણ આ શ્લોક આજે તાપી નદી મહાઆરતીથી સાર્થક થઈ ગયું છે. - રામ મઢીના મહંત મુળદાસ બાપુ
તાપી નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી લોકોની રહેશે : માં તાપી નદીની મહાઆરતી થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉલ્લેખનીય છે કે માં તાપી નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ લોકોની બને છે. ત્યારે આજે યોજાયેલી મહાઆરતીમાં તાપી નદીને સ્વચ્છ રાખવાની નેમ પણ ઉપસ્થિત તમામ લોકોએ લીધી હતી. તેમજ લોકોને પણ પવિત્ર તાપી નદીને શુદ્ધ અને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરી હતી.