સુરત: જ્યારે પણ દેશભક્તિની વાત કરવામાં આવે ત્યારે સુરત ક્યારે પણ પાછળ રહેતું નથી ખાસ કરીને સૈનિકો માટે માન સન્માન તો એક તરફ પરંતુ શહીદ સૈનિકોના પરિવાર માટે હંમેશાથી સુરત ખડેપગે ઊભું રહ્યું છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ સુરત શહેરના ગણેશ મંડપમાં જોવા મળ્યું છે. આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહેરના ભાગલ વિસ્તાર ખાતે આયોજિત મોટા મંદિર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ આયોજનમાં દરરોજ એક શહીદ પરિવારને શોર્ય રાશિ અર્પણ કરવામાં આવે છે.
શહીદ પરિવારના હસ્તે ગણેશજીની આરતી: 10 અલગ અલગ શહીદ પરિવારને ગણેશજીના આ પંડાલમાં સન્માનપૂર્વક બોલાવીને તેમને શોર્ય રાશિ અર્પણ કરવામાં આવે છે. દસ દિવસ સુધી 10 શહીદ પરિવારને શોર્ય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પહેલા ગણેશજીની પૂજા અર્ચના અને આરતી આ શહીદ પરિવારના હસ્તે કરાવવામાં આવે છે.
'મોટા મંદિર યુવક મંડળ સેવા પ્રદાન કરે છે અને મારી સંસ્થા શહીદ પરિવારો માટે કાર્ય કરે છે. અમારા દેશ માટે અને અમારી માટે જે સૈનિકો વીરગતિ પામ્યા છે તેમને અમે અહીં દસ દિવસ શોર્ય રાશિ પ્રદાન કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષોથી અમારી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન અને મોટા મંદિર યુવક મંડળ દરેક નાગરિકોને સમજાવીએ છીએ કે દિવસ દરમિયાન તમે સાંજે જ્યારે ઘરે પહોંચ્યો તો એકવાર જે 21 લાખ સૈનિકો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમને એકવાર ધન્યવાદ ચોક્કસથી કહે.' - ભરત વરીયા, આઈ સપોર્ટ ફાઉન્ડેશન
જરૂરિયાતમંદ શહીદ પરિવારને શૌર્ય રાશિ: સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમે લોકો પાસે જઈએ છીએ અને શોર્ય પાત્ર આપીને જણાવીએ છીએ કે તમારા કમાણીનો માત્ર એક જ રૂપિયો આ શોર્ય પાત્રમાં આપો અને આ રીતે જે પણ શૌર્ય પાત્રમાં રાશિ એકત્ર થાય છે તેને અમે છ મહિના બાદ ખોલીએ છીએ અને જે ડોનેશનમાં આવે છે તે અમે શહીદ પરિવારને આપતા હોઈએ છીએ. સૈનિકો માટે અમે સૈનિક બોર્ડ તરફથી જાણકારી મેળવીએ છીએ અને અમારી સંસ્થા જે છ વર્ષથી શહીદ સૈનિકો માટે કાર્ય કરે છે. ગુજરાતમાં ઘણા લોકો અમારી સંસ્થાને જાણે છે. ગામ, સરપંચ, શિક્ષકો તરફથી પણ અમને કોલ આવે છે અને તેઓ શહીદ પરિવાર અંગેની જાણકારી આપે છે. જે શહીદ પરિવારને જરૂર હોય તેમનું સર્વે કરીએ છીએ અને તેમને રાશિ પ્રદાન કરીએ છીએ.
ઇચ્છા અનુસાર લોકો આપે છે દાન: ભરત વરીયાએ જણાવ્યું હતું કે, જે પંડાલમાં હાલ શહીદ પરિવારને શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવી રહ્યું છે આ પંડાલ 60 વર્ષ જૂનું છે, જ્યાં 60 વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા દર વર્ષે ધામધૂમથી અહીં ઉજવણી થાય છે. અહીં અલગ અલગ પ્રકારની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ 10 દિવસ દરમિયાન થાય છે. અહીં જે પણ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવે છે. અમારા કાર્યકર્તાઓ શૌર્યપાત્ર લઈને તેમની પાસે જાય છે અને તેમની ઇચ્છા અનુસાર એક રૂપિયા, પાંચ રૂપિયા કે દસ રૂપિયા તેઓ આપતા હોય છે. તે અમે એકત્ર કરીએ છીએ. તે રાશિ પણ અમે શહીદ પરિવારને આપીએ છીએ.