સુરત : આજ રોજ ભાજપના નિરીક્ષકોએ સુરતમાં ધામા નાખ્યા છે. પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની મુદત આગામી 11 સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી છે. જેને લઇ નવા પદાધિકારીઓની વરણી કરવા માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈને આજે પ્રદેશ ભાજપના નિરીક્ષક દુષ્યંત પટેલ જેઓ ભરૂચ, સંગીતા નાયક જેઓ વલસાડ અને મધુભાઇ કથિરીયા જેઓ નવસારીથી આવ્યા હતા. પાલિકાના હાલના નગરસેવકોના સેન્સ લઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે એમ પાંચ જવાબદારી માટેના નિરીક્ષક તરીકે અમે આવ્યા છીએ. જેમાં 105 જેટલા કોર્પોરેટર અને 60 જેટલા સંગઠનના હોદ્દેદારોને અમે આજે આખા દિવસમાં સાંભળવાના છીએ. જેના નામો જાહેર થયા બાદ પ્રદેશ કારોબારી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે નિર્ણયો લેશે. ત્યારબાદ 12 તારીખે આ તમામ પાંચે નામો જાહેર કરવામાં આવશે. - પ્રદેશ ભાજપ નિરીક્ષક દુષ્યંત પટેલ
કોર્પોરેટરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી : સુરતમાં વર્તમાન મેયર હેમાલી બોધવાલા, ડેપ્યુટી મેયર દિનેશ જોધણીની આગામી 11મી સપ્ટેમ્બરે તેમની ટર્મ પૂર્ણ થઇ રહી છે. નવા પદાધિકારીઓની વરણીને મુદ્દે પક્ષમાં ચાલી રહેલી આંતરિક કશ્મકશ વચ્ચે શહેરના પ્રથમ નાગરીક બનવા માટે ભાજપના કોર્પોરેટરોએ ભારે દોડધામ શરૂ કરી છે. મેયર સહિતના પદાધિકારીઓની નવી ટર્મમાં કદ પ્રમાણે ગોઠવાઇ જવા વિવિધ સમાજના નગરસેવકો તેમના રાજકીય ગોડફાધરોના દરવાજા ખખડાવી રહ્યાં છે. આ હકીકત વચ્ચે આગામી 12મી સપ્ટેમ્બરના રોજ નવા હોદેદારો મળશે. ત્યારે પાલિકામાં મળનારી જનરલ બોર્ડની વિશેષ બેઠકમાં થનારી મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષ નેતા અને ઠંડકની વરણી ઉપરાંત સ્થાયી સમિતિની નવી ટીમને લઇ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત સમગ્ર શહેરની મીટ મંડાઇ છે.