સુરત : સરકાર દ્વારા વાહનચાલકો માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ટ્રકચાલકો દેશમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદો પાછો ખેંચી લેવા વાહનચાલકો માંગ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી સાયણ સુગર મિલમાં શેરડીનું વાહતુક કરતા ટ્રકચાલકો હડતાળ પર ઉતરી ગયા છે.
ટ્રકચાલકોની હડતાળ : શેરડીનું વાહતુક કરતા ટ્રકચાલકો હડતાળ પર ઉતરતા સુગર મિલના સંચાલકો ચિંતિત જણાઈ રહ્યા છે. સુગર મિલ સંચાલકો દ્વારા ચાલકોને કાયદા બાબતે સમજ આપવામાં આવી હતી. બાદમાં પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ ટ્રક ચાલકોને સમજાવ્યા હતા. પરંતુ ટ્રકચાલકો ટસના મસ ન થયા અને જ્યાં સુધી કાયદો પાછો લેવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા મન બનાવ્યું હતું.
શું છે મામલો ? સરકાર દ્વારા અકસ્માતના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદાની જોગવાઈ મુજબ હિટ એન્ડ રનના બનાવમાં વાહનચાલકને 7 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઈને ટ્રકચાલકો રોષે ભરાયા છે. ટ્રક ચાલકોનો મહત્તમ પગાર 10 થી 15 હજાર રૂપિયા હોય છે. જો અકસ્માત સર્જાય અને પૈસા ભરવાના આવે તો ટ્રક ચાલક આ પૈસા ક્યાંથી ભરે એ સૌથી મોટો પ્રશ્ન છે, ઉપરાંત જો ટ્રકચાલકને સજા થાય તો પછી તેના પરિવારનું શું ?
ટ્રક સંચાલકો પણ ચિંતાતુર : જોકે ટ્રકચાલકો સાથે સાથે ટ્રક માલિકોને પણ એટલી જ ચિંતા સતાવી રહી છે. હાલ થોડા સમય પહેલા જ કમોસમી વરસાદને લઈ 5 દિવસ સુગર મિલ બંધ કરવાની ફરજ પડી હતી. હવે પાછા ટ્રકચાલકો હડતાળ પર ઉતરી જતાં ફરી મિલ બંધ કરવી પડી તો ટ્રકમાલિકોને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી શકે એમ છે.
ટ્રક ચાલકોની માંગ : સાયણ સુગર મિલમાં ટ્રક ચલાવતા ટ્રકચાલક શિવાજીભાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ અકસ્માત ક્યારેય વાહનચાલક જાણી જોઈને કરતા નથી. કોઈ સંજોગોમાં અકસ્માત થઈ જાય છે. આ દરમિયાન કોઈ વાહનચાલક સ્થળ પર રહેશે તો હાજર પબ્લિક તેને માર મારશે તેવા ડરથી વાહનચાલક ભાગી જતો હોય છે. હાલના કાયદામાં લાખો રૂપિયાના દંડની વાત છે, તો અમારો પગાર 10-12 હજાર છે, અમે ક્યાંથી આટલા પૈસા લાવીએ.