જુનાગઢ : ક્રિમશન આર્ટ એકેડેમી દ્વારા કલાકારો માટે ચિરોડી કલરનો ઉપયોગ કરીને રંગોળી બનાવવાનું આયોજન કરાયું હતું. જેમાં જુનાગઢ શહેર અને આસપાસના બાર જેટલા કલાકારોએ ચિરોડી કલરનો ઉપયોગ કરીને પોતાના કલા વારસાનો અદભુત પરિચય કરાવ્યો હતો. તમામ 12 કલાકારોએ દિવસના 15 થી 20 કલાકની સતત મહેનત બાદ બે દિવસના અંતે આ રંગોળીને ઉપસાવી કાઢી છે.
જોરદાર હાવભાવઃ પ્રથમ નજરે રંગોળીને જોતા તેના હાવભાવ આબેહૂબ જીવંત લાગે છે. આ પ્રકારના અદભુત અને ખૂબ જ આબેહૂબ આયોજન થકી જૂનાગઢના નવોદિત કલાકારોએ પોતાના કલા વારસો દર્શાવવાનો મોકો મળ્યો હતો. જેને જોઈને લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. જોકે, આર્ટ એકેડેમીના સંચાલકે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી.
આજે પણ રંગોળી લોકોની લાગણી હાવભાવ અને તેમની ઈચ્છા અપેક્ષા અને આશાઓને પ્રગટ કરવા માટેનું માધ્યમ બને છે. પરંતુ તેમાં આપવામાં આવતા હાવભાવ કલાકારોની કલાને આધીન હોય છે. આજે અહીં જે રંગોળી બનાવવામાં આવી છે તેમાં સાંપ્રત ઘટના સાથે સંકળાયેલા તમામ વિષયો સાંકળી લેવામાં આવ્યા છે. ખૂબ જ મુશ્કેલ કહી શકાય તે પ્રકારે ચિરોડી કલરનો ઉપયોગ કરીને તમામ પોર્ટ્રેટ ખૂબ જ વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 12 નવોદિત કલાકારોએ પોતાનો કલા વારસો પ્રદર્શિત કર્યો હતો. --- દિપેન જોશી (સંચાલક, ક્રીમિશન આર્ટ એકેડેમી)
કલા ખૂબ કઠિનઃ રંગોળી અનેક પ્રકારે કરવામાં આવતી હોય છે. જેમાં અલગ અલગ પદાર્થોમાંથી બનાવવામાં આવેલા કલરોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ચિરોડી કલરથી હાવભાવ આપવા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. રંગોળી મુખ્યત્વે ત્રણ પ્રકારે થતી હોય છે. જેમાં બે પ્રકાર ડોટ્સ કોલમ અને હાઈપર રિયાલિસ્ટિક રંગોળી છે.
રિયાલિસ્ટિક રંગોળીઃ જૂનાગઢમાં જે રંગોળી બનાવવામાં આવી તેને હાઈપર રિયાલિસ્ટિક રંગોળી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માત્ર ચિરોડી કલરનો ઉપયોગ કરીને પોર્ટ્રેટ પ્રકારના ચિત્રો ઉપસાવી તેને અસલ હાવભાવ આપવામાં આવ્યા હતા. રંગોનું સુયોગ્ય મિશ્રણ કરીને નવોદિત કલાકારોએ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ચિત્રોને કલરના સહારે ઉપસાવી કાઢવામાં સફળતા મેળવી છે.
શિવ પાર્વતીઃ આમ તો શિવ અને પાર્વતીના અનેક ચિત્રો આપણે જોયા હશે. પણ ચિરોડીથી કલા પાથરીને કલાકારે શિવ અને પાર્વતીની જોડીને રંગ ભર્યા હતા. આવું મસ્ત ચિત્રકામ જોઈને લોકોના મોઢામાંથી વાહ...શબ્દ સૌથી પહેલા સરી પડ્યો હતો. સૌથી વધારે બેસ્ટ ચિત્ર યુવતીનું હતું જેમાં એક યુવતી પર જાણે મીઠી ચાસણી ઢોળી હોય અને એ તેને ખાવા માટે તૈયાર હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું.
ચિત્રમાં સિંહઃ આમ તો જૂનાગઢ પંથક આખો સિંહનું પોતાનું રહેઠાણ કહેવાય. દેશવિદેશમાંથી સિંહ દર્શન માટે લોકો જૂનાગઢ આવે છે. પણ અહીં તો ચિત્રમાં પણ સિંહના દર્શન થયા હતા. એ પણ એના બચ્ચાના દર્શન થયા હતા. આમ પણ સિંહના બચ્ચા એકદમ ક્યૂટ હોય છે પણ અહીં કલરમાં એની ક્યૂટનેસ યથાવત જોવા મળે છે.