સુરત : જિલ્લામાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોની લાઈન લાગી હોય તેમ એક બાદ એક સમાચાર સામે આવી છે. હજુ થોડા સમય પહેલા કામરેજની તાપી નદીના પુલ પર ટ્રક અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર શામપુરા ગામમાં ડમ્પર ચાલકનો અકસ્માત સર્જાતા ભાગદોડ મચી ગઈ હતી. કામરેજ તાલુકાના શામપુરા ગામે અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પટેલ સમાજના ગેટ સાથે ભટકાયું હતું. ડમ્પર ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જોકે, સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં આગળની તજવીજ હાથ ધરાય છે.
આ પણ વાંચો : Navsari Highway : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી
શું છે સમગ્ર વિગત : કામરેજ તાલુકાના ભાદા ગામના રાજપૂત ફળીયામાં રહેતા જીજ્ઞેશ ભરતસિંહ ચાવડા પોતે કાટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની હાઈવા ગાડી ધરાવે છે. જે હાઇવા ટ્રક પર તાપીના જુમકટી ગામના શ્યામસિંહ વસાવા ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ડ્રાઈવર શ્યામસિંહ પોતાના હાઇવા ટ્રક લઈ અરેઠ ખાતેની કવોરીમાંથી કપચી ભરી વાવ ખાતે ચાલી રહેલી સાઈટ પર ખાલી કરવા ગયા હતા. જે કપચી ખાલી કરી પરત ફરતા શામપુરા ગામના પટેલ સમાજના હોલ નજીક ચાલક શ્યામસિંહે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબૂ બનેલા હાઇવા ગેટ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : Surat Accident : તાપી નદીના પુલ પર ટેમ્પો લટકાયો, એકનું મૃત્યુ
પોલીસ ફરિયાદ નોધાવી : જેમાં હાઇવા ટ્રકનું ડ્રાઈવર કેબિન અકસ્માત થતા કેબિનમાં ફસાયેલા ચાલક શ્યામસિંહ શરીરે ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જે ઘટના અંગે કામરેજના ભાદા ગામે રાજપૂત ફળિયામાં રહેતા અને હાઇવા માલિક જીજ્ઞેશ ભરતસિંહ ચાવડાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા સુરતમાં મુંબઈથી આવતા આઇસર ટેમ્પોનો અકસ્માત સર્જાતા ભાગદોડ મચી ગઈ હતી. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તાપી નદી પુલે ટેમ્પો લટકી પડ્યો હતો. ત્યારે આ ટેમ્પો અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું.