સુરતઃ આજે સુરતમાં શહીદોના પરિવારને સન્માન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના સુરક્ષા પ્રધાન ખાસ મહેમાન બન્યા હતા. મારુતિ વીર જવાન ટ્ર્સ્ટ દ્વારા શહીદોના પરિવારને શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં કુલ 131 શહીદોના પરિવારને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરક્ષા પ્રધાન ઉપરાંત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કુલ 451 શહીદ પરિવારોને લાભઃ સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આજે 131 શહીદોના પરિવારોને શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક પરિવારને રુપિયા 2.50 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. દેશની સરહદની રક્ષા કરવામાં જ્યારે કોઈ પરિવાર શહીદ થઈ જાય છે ત્યારે તેનો પરિવાર નિઃસહાય બની જાય છે. તેથી આ ટ્ર્સ્ટ દ્વારા આ માનવતાનું કાર્ય કરવામાં આવે છે. આજે 131 શહીદ પરિવારોને મદદ કરીને આ ટ્ર્સ્ટ દ્વારા અત્યાર સુધી કુલ 451 શહીદ પરિવારોને મદદ પૂરી પાડવામાં આવી છે.
ટ્રસ્ટનો આભારઃ દેશના સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહે આ કાર્યક્રમ બદલ મારુતિ વીર જવાન ટ્ર્સ્ટનો ખાસ આભાર માન્યો હતો. દેશની સરહદની રક્ષા કરવામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને રાજનાથ સિંહે શીશ નમાવીને વંદન કર્યા હતા. શહીદ થનાર પરિવારને મદદ કરવાના કાર્યક્રમમાં આમંત્રણ મેળવીને રાજનાથ સિંહ ધન્યતા અનુભવ્યા હતા. તેમણે આ ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો. તેમણે ભવિષ્યમાં જ્યારે પણ આ ટ્રસ્ટ માનવતાના કામમાં યાદ કરશે તો ઉપસ્થિત રહેવાની ખાત્રી આપી હતી. ગુજરાતની ભૂમિ પરથી જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને આ જ ભૂમિ પર જન્મેલા નરેન્દ્ર મોદીની આજે સમગ્ર વિશ્વમાં બોલબાલા છે તેમ જણાવી રાજનાથ સિંહે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જાન્યુઆરીની 22મી તારીખે અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે કાર્યક્રમમાં મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. આ દિવસ સમગ્ર દેશ માટે હર્ષોલ્લાસનો દિવસ છે...રાજનાથ સિંહ(કેન્દ્રીય સુરક્ષા પ્રધાન)
દેશની સરહદ પર જવાન શહીદ થાય છે ત્યારે તેમનો પરિવાર નોંધારો બની જાય છે. આ પરિવારને સહાયરુપ થવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. આજે 131 શહીદ પરિવારને પરિવાર દીઠ રુ. 2.50 લાખનો ચેક આપી મદદ કરવામાં આવી છે તેથી અત્યાર સુધી કુલ 451 શહીદ પરિવારોને શહીદ પરિવારોને શૌર્ય રાશિ અર્પણ થઈ ચૂકી છે...લવજી બાદશાહ(પ્રમુખ, મારુતિ વીર જવાન ટ્ર્સ્ટ, સુરત)