- શહેરના તમામ શોપિંગ મોલ અને મોટા શોપિંગ સેન્ટરો બંધ રખાશે
- ગત વર્ષે ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રિઝર્વ રખાયા હતા
- મનપાએ ખાનગી હોસ્પિટલને બિલ પેટે 16.40 કરોડની ચુકવણી કરી હતી
સુરત : શુક્રવારે સાંજ સુધીમાં શહેરમાં 310થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફૂલ થઈ ગઇ છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં બે માળની જગ્યાએ 10 માળ સુધી કોરોનાના દર્દીઓ દાખલ થઈ શકે, આ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ મુજબ 10થી 25 ટકા ખાનગી હોસ્પિટલોમાં ફરજિયાત પ્રમાણે કરાર કરી અનામત રાખવામાં આવશે. ગત વર્ષે ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રિઝર્વ રખાયા હતા. મનપાએ ખાનગી હોસ્પિટલને બિલ પેટે 16.40 કરોડની ચુકવણી કરી હતી.
થિયેટર બંધ કરાયા
ઉધના ચાર રસ્તા પાસે આવેલા રિલાયન્સ મોલમાં ચાલી રહેલા આઇનોક્સ થિયેટરને બંધ કરાયું છે. મોલમાં માત્ર સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી હતી, જેની જાણકારી મનપાને મળતા આ થિયેટર બંધ કરાયું છે. મનપા દ્વારા આખરી ચેતવણી આપવામાં આવી છે કે, હવે થિયેટર ચાલુ દેખાશે તો સીલ કરવામાં આવશે. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખી થિયેટર બંધ રાખવા માટે આદેશ કરાયો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા 5500
મનપા અને પોલીસની સંયુક્ત 50 ટીમો બનાવવામાં આવી
કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સતત પણે અમલ થાય તે હેતુથી મનપા અને પોલીસની સંયુક્ત 50 ટીમો બનાવવામાં આવી છે. સવાર-સાંજ એક-એક ટીમ 20 કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની વિઝીટ કરશે અને નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મનપા સાથે તાકીદ કરવામાં આવી છે કે, શનિવાર-રવિવારે શહેરના તમામ મોલ બંધ રહેશે.
કર્મચારીઓ માટે વેક્સિનેશન ફરજિયાત બનાવાશે
ટેક્સટાઇલ માર્કેટોમાં લોકો એકત્ર ન થાય તથા ટેસ્ટિંગ વેક્સિનેશનની કામગીરી ઝડપી બને તે હેતુથી માલ વહન, ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવાની તાકીદ કરવામાં આવી છે. શનિવારે પણ આ નિયમ અમલી બનશે તથા સોમવારથી ટેક્સટાઇલ માર્કેટોમાં કામ કરતા 45 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે વેક્સિનેશન ફરજિયાત બનાવાશે, બાદ જેતે કર્મચારીને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. શનિવારે અને રવિવારે શહેરના તમામ શોપિંગ મોલ અને મોટા શોપિંગ સેન્ટરો બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાનો વ્યાપ વધતા છેલ્લા સપ્તાહમાં કૉવિડ બેડની સંખ્યા 400 વધારાઈ