બારડોલી: 2026 માં સુરતથી બીલીમોરા સુધી દેશની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેન ચલાવવાના લક્ષ્યાંક સાથે સુરતના અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન રેલ્વે સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ રેલ્વે સ્ટેશન અને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આગામી 5મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે. પીએમ મોદી આવી રહ્યા હોવાની માહિતી મળતા જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
સુરત દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ગણાતા અને દેશના સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું પહેલું રેલવે સ્ટેશન પલસાણા તાલુકાનાં અંત્રોલી ખાતે બની રહ્યું છે. આ રેલ્વે સ્ટેશન સુરતની ઓળખ સમાન ડાયમંડ આકારનું હશે. રેલ્વે સ્ટેશનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અહી વારંવાર રેલ્વે મંત્રાલય તેમજ જાપાનનું પ્રતિનિધિ મંડળ મુલાકાત લેતું હોય છે. ત્યારે હવે આગામી 5મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેશનની કામગીરી નિહાળવા માટે આવી રહ્યા છે.
L&T અને સ્થાનિક તંત્ર લાગ્યું તૈયારીમાં: રેલ્વે સ્ટેશન અને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી કરી રહેલી લાર્સન એન્ડ ટર્બોં (L & T ) ની સાથે સાથે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આવવા જવાના રૂટ તેમજ સલામતી બાબતો અંગે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. બુધવારના રોજ L & T ના અધિકારીઓ પોલીસ વિભાગ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
અંત્રોલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર હેલિપેડ બનાવાશે: પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હેલિપેડ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આજરોજ બારડોલી ડીવાયએસપી રાઠોડ સહિત L&T ના અધિકારીઓએ આ સ્થળની મુલાકાત પણ લીધી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડ હેલિપેડથી બુલેટ ટ્રેન સ્ટેશન સુધીના રૂટ પર સલામતીના ચુસ્ત અમલ માટે આખા રૂટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાનની મુલાકાતને લઈ કામગીરીને વધુ વેગ મળશે તેવી સંભાવના સેવાઇ રહી છે.