સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. સાથોસાથ એરપોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરત પોલીસ એલર્ટ બની છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને શહેરીજનોને ડાયવર્ઝન અંગે નોટિફિકેશન જાહેર કરી જાણ કરવામાં આવી છે. શહેરમાં આ સામાજિક તત્વો ઉપર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખી 3,000થી પણ વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે 1800 હોમગાર્ડ અને 550 ટીઆરબી જવાનો પણ ફરજ પર હાજર રહેશે. સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 25,000થી પણ વધુ લોકો હાજર રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત જોવા મળશે. સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા 'નો ડ્રોન ઝોન' જાહેર કરાયો છે. - એચ. આર. ચૌધરી ( જોઈન્ટ પોલીસ કમિશનર સુરત)
કયાં રસ્તાઓ બંધ રહેશે: 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વપ્રથમ એરપોર્ટ પર આવશે. ત્યારબાદ ખજોદ ખાતે ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. જેને ધ્યાનમાં લઈ સુરત પોલીસ દ્વારા બે રૂટ આયોજન જાહેર કરવામાં આવ્યા છે. સુરત પોલીસે જણાવ્યું છે કે બ્રિજ સર્કલ ચાર રસ્તાથી લઈ સચિન જીઆઇડીસી ગેટ નંબર એક સુધી અવરજવર માટે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ડુમ્મસ ઓવારા ત્રણ રસ્તાથી લઈ એસ.કે ચાર રસ્તા સુધી પણ બંને રોડ ઉપર વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કયાં રહેશે વૈકલ્પિક રૂટ ? સવારે 8:00 વાગ્યાથી લઈને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રૂટ પર વાહનોને લઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં. આ રૂટ બંધ રહેતા વૈકલ્પિક રુટ પણ જાહેર કરાયા છે. જે લોકો હજીરા જવા માંગતા હોય તેઓ કડોદરા, પલસાણા, કીમ, કામરેજ, ચોકડીથી ડાબે લઈ વેલંજા સાયણ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે.