સુરત: શહેરના મીની બજારમાં આરોગ્ય પ્રધાનના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ સમગ્ર ઘટનાનો પ્રથમ ઓડિયો અને બાદમાં વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરુ થયો હતો. જો કે પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને આખરે સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વરાછા પોલીસ મથકના ACP સી.કે.પટેલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે તેમજ આરોગ્ય પ્રધાનના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો સામે કર્ફ્યૂ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણેય લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આ મામલે અન્ય લોકોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.