સુરત: રાજ્યભરમાં લોક ડાઉનની સ્થિતિ વચ્ચે સુરત પોલીસ તેનું ચુસ્ત અમલ કરાવવા સજ્જ જોવા મળી રહી છે. દિલ્લીગેટ વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસના જવાનો અને TRBના જવાનો સતત પેટ્રોલિંગમાં જોવા મળી રહ્યા છે.
દિલ્લીગેટ વિસ્તારમાં જડબેસલાક ખાણી-પીણીની દુકાનોથી લઈ હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ જોવા મળી રહ્યા છે. જો કે લોકડાઉન હોવા છતાં લોકો ઘરોની બહાર રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણે પોલીસે સમજાવ્યા બાદ આખરે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન ઇમરજન્સી વિના બહાર નીકળેલા લોકોને પોલીસ દ્વારા જાહેરમાં ઉઠક-બેઠક કરી શિક્ષાત્મક પગલાં ભર્યા હતા.
લોકડાઉનના પગલે સુરતમાં વહેલી સવારથી જ બધુ બંધ જોવા મળી રહ્યું છે. જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજ-વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ બંધ જોવા મળી રહી છે. જો કે હજી પણ લોકોમાં કોરોના વાઇરસની ગંભીરતા અને લોકડાઉનની જનજાગૃતિનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
શહેરના વરાછા વિસ્તારમાં પણ લોકડાઉન હોવા છતાં લોકો પોતાના વાહનો લઈ બહાર નીકળ્યા હતા. જો કે પોલીસની મોટી ફોજ વરાછા વિસ્તારમાં લોકડાઉનના અમલ માટે ઉતારવામાં આવી છે. જ્યાં તમામ વાહન ચાલકો કે જે ઇમરજન્સી સેવા અને આવશ્યક ચીજ સેવાના વાહનોને જ જવા દેવામાં આવી રહ્યા છે. જ્યારે ખાનગી વાહન ચાલકોને ભારે સમજાવટ બાદ ઘરે રવાના કરવામાં આવી રહ્યા છે. ACP અને PI કક્ષાના અધિકારીઓની હાજરીમાં તમામ વાહન ચાલકોને ચકાસ્યા બાદ જ ઇમરજન્સી હોય તો જ જવા દેવામાં આવી રહ્યા છે. જે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે, તેવા વાહન ચાલકો સને રાહદારીઓ સામે વાહન ડિટેઇનથી લઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.