સુરત: મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવની ધૂમ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. શ્રીજીના આગમનમાં કરોડો રૂપિયા ખર્ચ કરનાર સુરત શહેરના લોકો આજે શ્રીજીની વિદાયમાં ભાવુક જોવા મળતા હોય છે. પરંતુ તેમને ધૂમધામથી વિદાય પણ આપતા હોય છે. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં શ્રીજીની વિદાય સમય લોકો ભક્તિ અને ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.
ગણપતિ વિસર્જન શરૂઆત: સુરત સહિત દેશભરમાં આજે શ્રીજીની વિદાય થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી ગણપતિ વિસર્જન શરૂઆત થઈ ચૂકી છે. શહેરની 85 હજાર નાની મોટી પ્રતિમાનું વિસર્જન થશે. ત્યારે ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરના લિંબાયત, ગોડાદરા, ડિંડોલી, પાંડેસરા અને રાજમાર્ગ ભાગ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં બાજ નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પોલીસ કંટ્રોલ રૂમની મોનિટરિંગ: આ ડ્રોનનું મોનિટરિંગ સીધું સુરત પોલીસ કંટ્રોલ રૂમથી થઈ રહ્યું છે. જ્યાં પીઆઈ કક્ષાના અધિકારી નજર રાખી રહ્યા છે. જોકે આ પહેલેથી જ સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ દ્વારા આ બંદોબસ્તમાં 16 ડીસીપી, 35 એસીપી, 106 પીઆઇ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મચારીઓ, 5533 હોમગાર્ડ, એસઆરપીની 12 કંપનીઓ, તેની સાથે જ રેપિડ એક્શન ફોર્સની અને બોર્ડર સુરક્ષા ફોર્સની પણ એક કંપની આ બંદોબસ્તમાં તેનાત છે. તે ઉપરાંત આ વખતે પોલીસ બોડી કેમેરા અને ડ્રોન કેમેરાથી લોકો ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે. તથા વિસર્જન વખતે તમામ મૂર્તિ વહેલી સવારે જ મંડપમાંથી નીકળી જાય તે માટે પણ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેની સાથે જ ડીજે ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.