દુબઇ થી લાવવામાં આવેલ દાણચોરીના સોના સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસ ને સફળતા મળી છે.આરોપી સલમાન ઇબ્રાહિમ પટેલ અને શોએબ ઝકરિયા પટેલની રૂપિયા 27 લાખથી વધુ સોનાના લિકવિડ પાવડર સાથે ધરપકડ કરવામાં આવી છે.ચોક બજાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લીંબાયત પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ ગત રોજ વાહન ચેકીંગમાં હતો. તે સમયે મોટર સાયકલ પર પસાર થતા બે લોકો આંતરી પૂછપરછ કરી હતી.
પોલીસને શંકા જતાં પોલીસે બંનેની પૂછપરછ કરતા તેમની પાસેથી એક બોક્સ મળી આવ્યું હતું.તપાસ દરમિયાન મળી આવેલ પદાર્થ સોનાનો લિકવિડ પાવડર હોવાનું બહાર આવ્યું હતું. જેનું વજન 685 ગ્રામથી વધુ થતા રૂપિયા 27 લાખનો લિકવિડ સોનાનો પાવડર જપ્ત કરી બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ચોક બજાર પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછતાછ કરવામાં આવી હતી.આરોપી શોએબ ઝાકરીયા પટેલની પૂછપરછ કરતા સોનુ પંદર દિવસ અગાઉ તેનો ભાઈ સાજિદ ઝાકીર પટેલ દુબઇ થી ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવ્યો હોવાની હકીકત જાણવા મળી હતી.જ્યારબાદ બીજા દિવસે સોનું સુરત ના મક્કાઇપુલ ખાતે આપી ગયો હતો.આ સોનુ ભરૂચના જંબુસર ખાતે રહેતા અફઝલના નામના ઇસમને પોહચાડવાનું હતું. જે પહેલા જ બંને આરોપીઓ પોલીસના હાથે ચઢી ગયા હતા.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ બાબતની જાણ કસ્ટમ વિભાગને પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.જ્યાં કસ્ટમ વિભાગ આ અંગે પૂછપરછ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.