સુરત : સુરતના પાંડેસરા વિસ્તારની સગીરા સાથે લવ જેહાદનો કિસ્સો બન્યો છે. ત્યારે આ મામલે આરોપીએ જણાવ્યું હતું કે, અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવા માટે તેને ફંડિંગ મળ્યું હતું. ત્યારે લવ જેહાદ પ્રકરણમાં આરોપીને ફંડિંગ કોણ કરતું હતું તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ દ્વારા ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. જે વિવિધ ટીમ ઉત્તરપ્રદેશ અને દિલ્હી રવાના થઈ છે. આ સાથે આરોપી રિઝવાનએ વોટ્સએપ પર કોની સાથે ચેટ કર્યું છે તે અંગેની પણ તપાસ ચાલુ છે. એક ચેટ આરોપીએ ડીલીટ પણ કરી નાખ્યું છે, જે માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે.
શું હતો મામલો ? બનાવની મળતી વિગત અનુસાર વર્ષ 2018 માં સુરત શહેરના પાંડેસરા વિસ્તારની સગીરાને આરોપીએ પોતાની ઓળખ કરણ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં દિલ્હી ખાતે લગ્ન કર્યા અને ત્યારબાદ સગીરાનું ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. લવ જેહાદના કિસ્સામાં ફંડિંગ અંગે પોલીસ તપાસ કરી રહી છે. વર્ષ 2018માં જ્યારે સગીરા 16 વર્ષની હતી ત્યારે તેને નોકરી પર છોડવા અને લેવા માટે રીક્ષાચાલક આવતો હતો. આ રીક્ષાચાલકે પોતાની ઓળખ કરણ તરીકે કરી અને આ વચ્ચે સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવા માટે દિલ્હી લઈ ગયો હતો.
બળજબરીપૂર્વક ધર્માંતરણ : દિલ્હીમાં લગ્ન કર્યા પછી સગીરાને ખબર પડી હતી કે, આરોપી કરણ નહીં પરંતુ રિઝવાન છે. પરંતુ તે સમયે સગીરા ગર્ભવતી હોવાના કારણે પ્રતિકાર કરી શકી નહોતી. દિલ્હીમાં જ આરોપીએ સગીરાનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. થોડા સમય બાદ આરોપી રીઝવાન સગીરાને ઉત્તરપ્રદેશ ખાતે પોતાના સંબંધીઓના ઘરે લઈ ગયો હતો. લવજેહાદનો ભોગ બનેલી પીડિતાને બાળકી થતાં તે અંગે પણ પરિવારના લોકો તેને મેણા-ટોણા મારતા હતા. એટલું જ નહીં તેને જણાવવામાં આવ્યું હતું કે, તેમના ધર્મમાં મૂર્તિ પૂજા કરવામાં આવતી નથી. જેથી તે પણ પૂજા નહીં કરે અને તેમના ધર્મમાં જે રીતે યુવતી પહેરવેશ ધારણ કરે છે તેવી રીતે તેને રહેવું પડશે. આરોપી રીઝવા પીડિતાને તેના ધર્મનું જ્ઞાન આપવા માટે પોતાના માતા-બહેન પાસે મૂકીને મુંબઈ આવી ગયો હતો.
આરોપીને મળ્યું ફંડિંગ : પીડિતાને બાદમાં ખબર પડી કે તેનો પતિ અન્ય હિન્દુ યુવતી સાથે પણ સંપર્કમાં છે. ત્યારે આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ પીડિતાને કહ્યું હતું કે, હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક રાખવા અને લગ્ન કરવા માટે તેને પૈસા મળે છે. આ વાત સાંભળીને પીડિતાએ સુરત ખાતે પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. તેના પરિવારે યુવતી સાથે મળીને સુરત પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે મુંબઈથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કોની સાથે સંપર્કમાં હતો અને ફંડિંગ કઈ રીતે કરવામાં આવી રહ્યું હતું તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે.
પોલીસ તપાસ : સમગ્ર મામલે ACP એમ.ડી. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ અમે તમામ પાસાઓ ઉપર તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદીએ જે પ્રમાણે જણાવ્યું છે તે અંગે પણ અમે તપાસ કરી અને આરોપી અન્ય કઈ યુવતીઓ સાથે સંપર્કમાં છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત અલગ અલગ ટીમ બનાવીને ઉત્તરપ્રદેશ અને દિલ્હી મોકલવામાં આવી છે. જેથી ખબર પડે કે આરોપીને ફંડિંગ કરનાર કોણ છે. આ સાથે તેણે મોબાઈલમાં વોટ્સએપ ચેટિંગ પણ ડીલીટ કર્યા છે. આ ચેટિંગમાં શું વાત હતી તે માટે પણ એફએસએલની મદદ લેવામાં આવશે.