- કોવિન પોર્ટલ પર સમયમાં ભૂલ થતા સર્જાય અવ્યવસ્થા
- હોબાળો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી
- સાંજે જથ્થો આવતા સ્થિતિ થાળે પડી
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વરાડ PHC પર બુધવારના રોજ કોવિડશિલ્ડ રસીની પસંદગી કરનાર લાભાર્થીઓને રસી નહીં મુકવામાં આવતા ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે હોબાળાના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમ્યાન બપોર બાદ કોવિડશિલ્ડનો જથ્થો આવતા ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
સવારનું સેશન્સ મળતા લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા
બુધવારના રોજ કોવિન પોર્ટલ પર વરાડ PHCમાં કોવિડશિલ્ડ અને કૉવેકસીનના અનુક્રમે 194 અને 190 જેટલા ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જેનું ગતરાતથી બુકીંગ શરૂ થયું હતું જે સવાર સુધી ચાલ્યું હતું. દરમ્યાન ફાળવેલા સમય મુજબ સવારે જ્યારે લાભાર્થીઓ વેકસીન મુકાવવા માટે PHC પર ગયા ત્યારે કોવિડશિલ્ડનો જથ્થો આવ્યો ન હોય કોવિડશિલ્ડ નોંધાવનાર લાભાર્થીઓએ હોબાળો માચાવી દીધો હતો.
થોડીવાર માટે રસીકરણ બંધ કરવું પડ્યું
દૂરથી આવેલા લોકોએ ધક્કો ખાવો પડ્યો હતો. લોકોના હોબાળાને કારણે થોડીવાર માટે રસીકરણ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ સાંજે કોવિડશિલ્ડનો જથ્થો આવી જતા ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. PHC પર હોબાળો થતા જ જવાબદાર મેડિકલ ઓફિસર સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણકારી મેળવવા જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો તો ફોન પણ રિસીવ કર્યો ન હતો.
શરતચૂકથી સવારનું સેશન્સ ફાળવતા અવ્યવસ્થા સર્જાઈ
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પંકજ ફણસિયાએ જણાવ્યુ હતું કે, વરાડ PHC પર કોવિડશિલ્ડનું સેશન્સ સાંજના સમયનું હતું જે કોવિન પર સવારના સેશન્સમાં મુકાય જતા લાભાર્થીઓ સવારે આવી ગયા હતા. જેને કારણે થોડી અવ્યવસ્થા સર્જાય હતી. જો કે ત્યારબાદ તાત્કાલિક કોવિડશિલ્ડનો જથ્થો પહોંચાડી દઈ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.