સુરત: ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઓનલાઈન એજ્યુકેશન નામે વસૂલવામાં આવતી ફી અને અન્ય ત્રણ મહિનાની ફીમાં રાહત આપવા ઉપરાંત વધારાની ફી વસુલનાર ખાનગી શાળાઓ સામે કાર્યવાહીની માગ અંગે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી, શાળા સંચાલક મંડળ અને વાલી મંડળની એક બેઠક મળી હતી. જેમાં શાળા સંચાલક મંડળ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવતા શિક્ષણાધિકારીએ વાલીઓને ન્યાયિ કાર્યાવહીની ખાતરી આપી હતી.
આ સાથે જ શાળા સંચાલક મંડળે સ્પષ્ટ કર્યુ છે કે, અગાઉ ત્રણ મહિનાની બાકી રહેલી ફી મુદ્દે કોઈ પણ શાળા સંચાલકો વાલીઓ પર દબાણ નહીં કરી શકે. સપ્ટેમ્બર સુધી તેઓને ફીમાં રાહત આપવા સૂચના આપી દેવામાં આવી છે. ઓનલાઈન એજ્યુકેશનના નામે કોઈ શાળા ફી માટે વાલીઓ પર દબાણ કરશે તો પુરાવાના આધારે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક મેઈલ આઈડી અને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર વાલીઓ પોતાની ફરિયાદ કરી શકે છે. ત્યારબાદ કચેરી ફરિયાદના આધારે શાળાને નોટિસ ફટાકારી કાયદીય કાર્યવાહી કરશે.
ફી માફી જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળા સંચાલક મંડળના કાર્યક્ષેત્રમાં નથી આવતું. તેમ છતાં શિક્ષણ વિભાગના અધિકારી સમક્ષ આ મુદ્દો મૂકતાં વાલીઓને રાહત આપવાના પ્રયાસ હાથ ધરાયા છે. વાલી મંડળ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાલ આ બાબતે કચેરી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે. જેથી જુલાઈના અંત સુધીમાં તે રાહ જોશે. ત્યારબાદ પણ જો નિવેડો નહીં આવે તો વાલીઓ પોતાની રીતે આંદોલનની નીતિ ઘડશે.