સુરત: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ શરૂ થયું હોય તેમ એક પછી એક સંગઠનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી ફેરફાર થવાની સંભાવના જોવાઈ રહી હતી. રક્ષાબંધનના દિવસે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી બાદ જિલ્લાના ત્રણ નગર સંગઠનોમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ અને મહામંત્રીઓની હાલ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય હોદ્દેદારોની ટૂંક સમયમાં વરણી કરવામાં આવશે.
તાલુકા સંગઠનના માળખામાં ફેરબદલ: સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમખ ભરત રાઠોડે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિમર્શ કરી જિલ્લાના ત્રણ નગર અને એક તાલુકા સંગઠનના માળખાની નવેસરથી રચના કરી હતી. પત્રિકા કાંડ બાદ સુરત જિલ્લા ભાજપ સંગઠનની ફેરરચના કરવામાં આવી છે. આ સાથે હવે મંડળોના પ્રમુખ તેમજ મહામંત્રીની વરણી કરવામાં આવી છે. જેમાં તરસાડી નગર ભાજપ પ્રમુખ તરીકે કિશોરસિંહ કોસાડાની વરણી કરવામાં આવી છે.
કિશોરસિંહ કોસાડાની ભૂમિકા: બે વર્ષ સુધી માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ રહીને ગણપત વસાવાને ધારાસભ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, મંત્રી જેવા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. સાથોસાથ તરસાડી નગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અહીં પ્રખર કોંગ્રેસના નેતા નટવરસિંહ આડમારને માત આપી પાલિકા કબ્જે કરાવી હતી. ત્યારબાદ ધીમે ધીમે કિશોરસિંહ કોસાડાને કેટલાક મહત્વાકાંક્ષી યુવા નેતાઓએ કોરાણે કરાવી દીધા હતા અને ગણપતભાઇ ચૂપ હતા. સમયનું ચક્ર ફરી એકવાર પત્રિકા કાંડ બાદ કિશોરસિંહને તરસાડી નગરના પ્રમુખ બનાવ્યા છે. સાથોસાથ મહામંત્રી મેહુલ શાહ અને ભગવતી પ્રજાપતિએ વરણી કરવામાં આવી એ પણ આશ્ચર્યજનક કરી શકાય તેમ છે.
" હાલ તબક્કાવાર સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સંગઠનના હોદેદારોમાં ફેરફાર કરવામાં આવશે." - ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ