સુરત: શહેરના સચીન વિસ્તારમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલ એશિયાની સૌથી હાઈ-ટેક જેલ છે. આ જેલમાં હાલ પણ અંદાજિત 100થી વધુ મહિલા કેદી અને 2000થી વધુ પુરુષ કેદી રાખવામાં આવ્યાં છે. જેમાં અભ્યાસ કરતા કેદીઓને શિક્ષણ મળતું રહે અને પરીક્ષામાં પાસ થાય તે હેતુથી જેલના અધિકારી દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
ગત વર્ષે 13 કેદી દ્વારા SSCની પરીક્ષા આપવામાં આવી હતી અને 13 કેદી પાસ થતાં જેલના સત્તાધીશોમાં ખુશીનો માહોલ છવાયો હતો, ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે બાળકોનો અભ્યાસ અટકતા જેલ તંત્ર મુઝવણમાં મૂકાયું હતું. જો કે, ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષાની વ્યવસ્થાનો વિકલ્પ પ્રાપ્ત થતાં જેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાજપોર જેલના સત્તધીશો પણ વિચારી રહ્યાં હતા કે, આ વર્ષે 63 કેદી એવા છે, 10 અને 12માં માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે સુરતની લાજપોર રાજ્યની પ્રથમ જેલ બની છે, જ્યાં હવે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. જ્યાં કેદીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
સામાન્ય સમાજની હરીફાઇમાં જેલના કેદીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે, તેમજ પોતાના શિક્ષણને લગતા પ્રશ્નથી કોઇ મૂંઝવણ ન અનુભવે અને પ્રશ્નોનું નિરાકારણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તેવા ઉમદા હેતુને સિદ્ધ કરવા સહયોગ થકી જેલમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆતથી કરવામાં આવી છે.
જેલના 63 જેટલા કેદીઓની હાજરીમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રાસંગિક કાર્યક્રમમાં જેલ અધિક્ષક મનોજ નિનામા, પી.પી.સવાણી ગ્રુપના હોદ્દેદાર અને સમાજ સેવક એવા મહેશભાઈ સવાણી તેમજ સચિન સ્થિત એલ.ડી હાઈસ્કૂલના આચાર્ય નિલેષભાઈ જોષી ઉપરાંત અન્ય શિક્ષણગણ અને જેલ સ્ટાફના અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ સાથે લાજપોર મધ્યસ્થ જેલ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરનારી રાજ્યની પ્રથમ જેલ બની છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના સંક્રમણના કપરા સમયમાં જેલની અંદર રહેલા કેદીઓને અભ્યાસને સંબંધિત અસમંજસ કે મુશ્કેલી દૂર કરવાનો છે.