સુરત : શહેરમાં CAA ના વિરોધમાં આજે બંધનું એલાન જાહેર કરાયું હતું. તે દરમિયાન સુરતના લીંબાયત સ્થિત મદીના મસ્જીદ પાસે પથ્થારમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ કાબૂમાં મેળવી લીધી હતી.
NRC અને CAAના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે બંધની આંશિક અસર જ સુરતમાં જોવા મળી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં દુકાન માલિકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન લીંબાયત મદીના મસ્જીદ પાસે અસામાજિક તત્વોએ પત્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા થઇ હતી.
આ બનાવની જાણ થતાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું અને પરિસ્થિતિ વણસે તે પહેલા જ કાબૂ મેળવી લીધી હતી. હાલ, પરિસ્થિતિ કાબૂમાં છે. તેમ છતાં પોલીસે લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.